હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એન્ટિલિયા કાંડમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને મોટો ઝટકો: હાઈકોર્ટે મુક્તિની અરજી ફગાવી, હવે મનસુખ હિરણ હત્યાના કાવતરામાં ચાલશે ટ્રાયલ!
મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો મૂકવા અને સાક્ષી મિટાવવા માટે થયેલી હત્યાના કેસમાં શર્માની ભૂમિકા શંકાના દાયરે; NIA કોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટે પણ રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો.

મુંબઈ : મુંબઈ પોલીસના વિવાદિત અને ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર રાખવાના કાવતરા અને ત્યારબાદ મુખ્ય સાક્ષી મનસુખ હિરણની હત્યાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે શર્માની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ શ્યામ સુમનની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા શર્માને કેસમાંથી મુક્ત કરવાનો ઈનકાર કર્યો છે.
શું છે સમગ્ર એન્ટિલિયા અને મનસુખ હિરણ કેસ?
ઘટનાની શરૂઆત 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ થઈ હતી, જ્યારે અંબાણીના ઘર પાસે જિલેટીનની 20 લાકડીઓ સાથેની એક SUV મળી આવી હતી. આ વાહન થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણનું હતું, જે થોડા દિવસો બાદ 5 માર્ચ, 2021 ના રોજ મુંબ્રાની ખાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) નો આરોપ છે કે પ્રદીપ શર્મા આ સમગ્ર કાવતરામાં સામેલ હતા અને મનસુખ હિરણની હત્યા પાછળ તેમનો હાથ હતો, જેથી કાવતરાનું રહસ્ય બહાર ન આવે.
શર્માની દલીલો અને કોર્ટનો પ્રતિભાવ
પ્રદીપ શર્માએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેમની સામે કોઈ એવા પુરાવા નથી જે તેમને વિસ્ફોટકો મૂકવા કે UAPA હેઠળના ગુનાઓ સાથે જોડે. તેમણે સચિન વાઝે સાથેની મુલાકાતના આરોપોને પણ નકાર્યા હતા. જોકે, NIA એ કોર્ટમાં જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરી, 2021 ના રોજ શર્મા અને વાઝે વચ્ચે મઝગાંવમાં બેઠક થઈ હતી, જેમાં હત્યાનું કાવતરું ઘડાયું હોવાની શંકા છે. અગાઉ ફેબ્રુઆરી 2025 માં સ્પેશિયલ NIA કોર્ટે પણ શર્માની અરજી નકારી કાઢી હતી.
ધરપકડ અને જામીનનો ઈતિહાસ
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સચિન વાઝે, સુનીલ માને અને વિનાયક શિંદે સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદીપ શર્માની જૂન 2021 માં ધરપકડ થઈ હતી અને તેમની સામે હત્યા, અપહરણ અને પુરાવાનો નાશ કરવા જેવી ગંભીર કલમો લગાવાઈ હતી. ઓગસ્ટ 2023 માં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા, પરંતુ હવે હાઈકોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતા તેમને કોર્ટમાં કાયદેસરની ટ્રાયલનો સામનો કરવો જ પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
