વૈશ્વિક અર્થતંત્રના પતનનું કાઉન્ટડાઉન? સાઉદી અરામકોની 'વિનાશક' ભવિષ્યવાણી: હોર્મુઝની નાકાબંધીથી દુનિયાભરમાં હાહાકાર, ભારતમાં હોટલ-રેસ્ટોરન્ટના રસોડા બંધ થવાની અણી પર!
અમીન નાસેરે હોર્મુઝ સંકટને ગણાવ્યું 'દુઃસ્વપ્ન'; ભારતમાં ઈંધણ બચાવવા ECA લાગુ, ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફાર અને કોમર્શિયલ સપ્લાય પર રોક.

રિયાધ : દુનિયાની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોના સીઈઓ અમીન નાસેરે વૈશ્વિક બજારોને કંપાવી દે તેવી ચેતવણી જારી કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સર્જાયેલી નાકાબંધીને તેમણે "આપત્તિજનક" ગણાવી છે. નાસેરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આ વ્યૂહાત્મક જળમાર્ગ લાંબો સમય બંધ રહેશે, તો માત્ર તેલ જ નહીં, પણ ઉડ્ડયન, કૃષિ અને ઓટોમોબાઈલ જેવા તમામ ઉદ્યોગો પત્તાની જેમ વિખેરાઈ જશે.
દુનિયાની નજર સાઉદીની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન પર
જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વનો 20% તેલ પુરવઠો પસાર થાય છે, ત્યારે અરામકોએ આ સંકટને હળવું કરવા માટે તેની 1,200 કિલોમીટર લાંબી 'પૂર્વ-પશ્ચિમ' પાઇપલાઇન સક્રિય કરી છે. આ પાઇપલાઇન હોર્મુઝને બાયપાસ કરીને લાલ સમુદ્ર સુધી તેલ પહોંચાડી શકે છે. જોકે, અમીન નાસેરે ચેતવણી આપી છે કે આ વૈકલ્પિક માર્ગ હોર્મુઝથી થતા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવા માટે પૂરતો નથી. અત્યારે વિશ્વ પાસે તેલનો ભંડાર પાંચ વર્ષના લઘુત્તમ સ્તરે છે, જે ચિંતાનો વિષય છે.
ભારતમાં 'ફ્યુઅલ ઇમરજન્સી': રસોડામાં પહોંચી આંચ
ભારતમાં આ વૈશ્વિક કટોકટીની સીધી અસર જોવા મળી રહી છે. સરકારે ઇંધણના સંકટને રોકવા માટે તાકીદે 'આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ' (ECA) લાગુ કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે તમામ રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ ઉત્પાદન અટકાવીને તમામ ગેસ પુરવઠો (પ્રોપેન અને બ્યુટેન) માત્ર ઘરેલું LPG માટે ફાળવવા આદેશ આપ્યો છે. સામાન્ય જનતા માટે પણ નિયમો કડક કરાયા છે; હવે ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચેનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે.
બેંગલુરુ-ચેન્નાઈની હોટલોમાં 'તાળાબંધી'નો ખતરો
સૌથી ગંભીર અસર દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે. બેંગલુરુ અને ચેન્નાઈ હોટલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે વાણિજ્યિક (Commercial) સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે, આજથી એટલે કે 10 માર્ચથી હજારો હોટલો અને રેસ્ટોરન્ટ્સને તેમના રસોડા બંધ કરવાની ફરજ પડી શકે છે. સંગ્રહખોરી અટકાવવા માટે સરકાર દ્વારા કડક સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
