<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પાકિસ્તાન ‘લાલટેન યુગ’માં: IMFના હપ્તા માટે શાહબાઝ શરીફે દેશને અંધકારમાં ધકેલ્યો: યુદ્ધના બહાને જનતા પર અત્યાચાર!

ઈરાન-અમેરિકા સંઘર્ષની આડમાં પાકિસ્તાન સરકારે મંત્રીઓ અને સાંસદોના પગાર અડધા કર્યા: શાળાઓ બંધ અને વર્ક ફ્રોમ હોમ પાછળ તેલ બચાવવાની નહીં પણ IMFની શરતો પૂરી કરવાની મજબૂરી

ઈસ્લામાબાદ:  પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધતી વખતે જનતા માટે રાહતની નહીં પણ 'આફત'ની જાહેરાત કરી છે. પાકિસ્તાન અત્યારે એવી વિચિત્ર સ્થિતિમાં છે જ્યાં જનતાને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન યુદ્ધને કારણે દેશમાં ઇંધણ બચાવવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે, પણ હકીકત કંઈક અલગ જ છે. સરકાર મંત્રીઓના પગાર અડધા કરી રહી છે અને મંત્રીઓને મળતું સરકારી પેટ્રોલ-ડીઝલ બંધ કરી રહી છે. આટલું જ નહીં, શાળાઓ અને કોલેજોને અચાનક બંધ કરીને 'ઓનલાઈન એજ્યુકેશન'ના નામે ઘરે મોકલી દેવાયા છે. દેખીતી રીતે આ પગલાં તેલ બચાવવા માટે લાગે છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે આર્મી ચીફ આસીમ મુનીર અને શાહબાઝ શરીફ IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) પાસેથી લોનનો નવો હપ્તો મેળવવા માટે જનતાને પરાણે 'ફાનસ યુગ'માં લઈ જઈ રહ્યા છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા લાંબા સમયથી વેન્ટિલેટર પર છે અને IMFએ લોન આપવા માટે જે શરતો મૂકી છે તે પાકિસ્તાની જનતા માટે ફાંસીના ફંદા સમાન છે. IMFની સ્પષ્ટ શરત હતી કે સરકારી ખર્ચમાં મોટો કાપ મૂકવો અને સબસિડી નાબૂદ કરવી. શાહબાઝ સરકાર આ પગલાં લેતા ડરતી હતી કારણ કે પહેલાથી જ મોંઘવારીથી પીડાતી જનતા વિદ્રોહ કરી શકે તેમ હતી. પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે શરૂ થયેલા યુદ્ધે પાકિસ્તાની સરકારને એક 'વ્યૂહાત્મક ઢાલ' પૂરી પાડી છે. હવે સરકાર જનતાને એમ કહી રહી છે કે આ બધું "રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક કટોકટી"ને કારણે કરવામાં આવી રહ્યું છે, જ્યારે અસલમાં આ IMFના દબાણ હેઠળ લેવાયેલા આકરા આર્થિક નિર્ણયો છે.

સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓને પડ્યો છે. ઓફિસોને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કાર્યરત રાખવી અને 50% સ્ટાફને ઘરે મોકલી દેવો એ માત્ર ઈંધણ બચાવવાનો નહીં, પણ વીજળીનો વપરાશ ઘટાડવાનો એક છૂપો એજન્ડા છે. વીજળી અને બળતણ હવે પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની ચીજ મટીને સંપત્તિનું પ્રતીક બની ગયા છે. આસીમ મુનીરની વ્યૂહરચના હેઠળ પાકિસ્તાન હવે એક એવા માર્ગે ચાલી રહ્યું છે જ્યાં જનતાને અંધારામાં રાખીને લોનના હપ્તા ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના રસ્તાઓ પર વાહનો થંભી ગયા છે અને ઘરોમાં ફાનસ ફરી જીવંત થઈ રહ્યા છે, જે આધુનિક યુગમાં પાકિસ્તાનના પતનનું જીવંત ઉદાહરણ છે.

(10:43 PM IST)