<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

દુબઈ-અબુધાબી અને બાકુની ટૂર કેન્‍સલઃ થાઇલેન્‍ડ વિયેતનામ હોટ ફેવરિટ

ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્‍ચે વધતા તણાવની અસર હવે પ્રવાસ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે : ઝેન જી મૂવમેન્‍ટ બાદ નેપાળની ઇન્‍ક્‍વાયરી ઘટી પરંતુ ભૂટાન અને શ્રીલંકા માટે લોકોએ રસ બતાવ્‍યા

અમદાવાદ તા.૧૧: ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્‍ચે વધતા તણાવની અસર હવે પ્રવાસ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. મધ્‍ય પૂર્વમાં યુદ્ધ થતા મોટાભાગના પ્રવાસીઓ ગલ્‍ફ દેશોની મુસાફરી ટાળવા લાગ્‍યા છે. તેના પરિણામે વેકેશનમાં દુબઇ, અબુધાબી, શારજાહ અને બાકુની ટૂર કેન્‍સલ થઈ રહી છે. તુર્કી ફરવા જવાનું પણ લોકો ટાળી રહ્યા છે. આ પરિસ્‍થિતિમાં હવે જે લોકો વેકેશનમાં વિદેશ ફરવા જવાનું પ્‍લાનિંગ કરી રહ્યા છે તેમના માટે થાઇલેન્‍ડ, વિયેતૅનામ, મલેશિયા અને ભૂટાન તથા શ્રીલંકા પહેલી પસંદ બની રહ્યા છે. વેકેશનના પ્રવાસ થોડો વધુ ખર્ચ કરવાની તૈયારીવાળા  પ્રવાસીઓ હાલ જાપાનમાં ચેરી બ્‍લોસમ માટેનું પ્‍લાનિગ કરી રહ્યા છે. બીજી તરફ યુરોપ અને અમેરિકા તથા કેનેડા અને ઓસ્‍ટ્રેલિયા માટેનું પણ પ્‍લાનિગ કરવામાં આવી રહ્યું છે. ટૂર ઓપરેટરોના જણાવ્‍યા મુજબ હાલ પ્રવાસીઓ સુરક્ષિત અને રાજકીય રીતે સ્‍થિર દેશોમાં ફરવા જવાનું પ્‍લાનિગ કરી રહ્યા છે.

ટૂર ઓપરેટર દીપક જયસ્‍વાલ અને રવિ જયસ્‍વાલના જણાવ્‍યા મુજબ ગલ્‍ફ દેશોનો પ્રવાસ કેન્‍સલ કરનાર મુસાફરો હવે પ્રકૃતિની વધુ નજીક રહી શકાય તેવા ઇકોનોમિક ડેસ્‍ટિનેશન તરીકે ખાસ કરીને વિયેતનામની પસંદગી કરી રહ્યા છે. વિયેતનામ સાથે થાઇલેન્‍ડ ગુજરાતીઓની પહેલી પસંદ છે. ત્‍યાર બાદ મલેશિયા અને ભૂટાન તથા શ્રીલંકા માટે ભારે ઇન્‍ક્‍વાયરી મળી રહી છે.

ટૂર ઓપરેટર પટેલના મતે ડોમેસ્‍ટિક ટૂર જેટલા જ બજેટમાં થાઇલેન્‍ડનો પ્રવાસ થઈ શકે છે. અમદાવાદથી સીધી ફલાઇટ હોવાથી વધારે અનુકૂળતા રહે છે. વિશાળ દરિયાકિનારો અને ચોખ્‍ખા બીચ ઉપરાંત ખરીદી માટેના મોટા બજારો તથા નાઇટ લાઇફ લોકોને થાઇલેન્‍ડ માટે આકર્ષે છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે વેકેશન ઉપરાંત ફેમિલી ટૂર અને હનિમૂન કપલ પણ આ ડેસ્‍ટિનેશન ઉપરાંત માલદીવ્‍સ અને મોરેશિયસની પસંદગી કરી રહ્યા છે.

ટૂર ઓપરેટર  રાઠોડના જણાવ્‍યા મુજબ ઘણા લોકો વેકેશનમાં જાપાન તથા અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્‍ટ્રેલિયા માટે પણ બુકિંગ કરાવી રહ્યા છે. સામાન્‍ય રીતે જોવા જઈએ તો ગુજરાતીઓ ઉનાળું વેકેશનમાં વિદેશ ફરવા જવાનું ભરપૂર પ્‍લાનિગ કરી  રહ્યા છે.

ઉનાળા માટે જે લોકો ડોમેસ્‍ટિક ટૂર કરવા માગે છે તેમના માટે ગોવા, હિમાચલ પ્રદેશ, રાજસ્‍થાન, ઉત્તર પૂર્વીય રાજ્‍યો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્‍ડ તથા કેરળ ખાસ પસંદગીના સ્‍થળો છે. મોટા ભાગની ટૂર આ ડેસ્‍ટિનેશન માટે જ ડિઝાઇન થઈ રહી છે.

(10:01 AM IST)