News of Wednesday, 11th March 2026
એક સિલિન્ડરના ૩૦૦૦ રૂપિયા બોલાઈ રહ્યા છે ?
સરકાર ઓલ ઇઝ ઓકે કહે છે, પણ ગેસના પુરવઠા પર યુદ્ધની અસર વર્તાવા માંડીઃ ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરાં અસોસિએશનના પ્રેસિડન્ટ વિજય શેટ્ટીએ આક્ષેપ કર્યો કે બેફામ બ્લેક-માર્કેટિંગ ચાલે છે

મુંબઇ તા.૧૧: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વર્તાવા માંડી છે ત્યારે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા નેચરલ ગેસનું વિતરણ પ્રાયોરિટીવાળા સેક્ટર્સને કરવા સમગ્ર દેશમાં કોમોડિટીઝ (EC) એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
આ પગલું લીધા પછી પણ સરકારે ધરપત આપતાં જાહેર કર્યું હતું કે દેશભરમાં રાંધણગેસનો પુરવઠો નિયંત્રણમાં છે. જોકે એમ છતાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં નાની અને મધ્યમ કદની હોટેલો, રેસ્ટોરાં અને ફૂડ-સ્ટોલ પર ગેસની અછત વર્તાઈ રહી છે.
મુંબઈમાં અત્યારે ૨૦ ટકા રેસ્ટોરાં બંધ થઈ ગઈ છે અને આગામી બે દિવસમાં પરિસ્થિતિ વણસે એવા અંદાજને લીધે મોટા ભાગની રેસ્ટોરાં અને હોટેલો બંધ કરવાનો વારો આવશે. ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR)એ મુંબઈના હોસ્પિટેલિટી ક્ષેત્રને જોખમમાં મૂકી રહેલા ગેસ-સંકટ અંગે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રીને લખેલા પત્રમાં ખ્ણ્ખ્ય્ના પ્રમુખ વિજય શેટ્ટીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નો પુરવઠો પચીસ ટકા ઘટાડવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો આ ટકાવારી વધશે અથવા ગેસ-પુરવઠો ઠપ થશે તો હોટેલ-ઇન્ડસ્ટ્રી અને એના પર નિર્ભર લાખો કામદારો બન્નેને અસર થશે એવું પણ જણાવાયું છે. ૪૮ કલાકમાં મુંબઈની પચાસ ટકા હોટેલો બંધ થશે એવી ચિંતા વિજય શેટ્ટીએ વ્યક્ત કરી હતી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નાં સિલિન્ડરોની વધેલી ડિમાન્ડને પગલે બજારમાં એક સિલિન્ડર જેની કિમત ૧૬૦૦ રૂપિયા હતી એના હવે ૩૦૦૦ રૂપિયા બોલાય છે એવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
સરકાર અને ગેસ-એજન્સીઓ દાવો કરે છે કે દેશમાં ગેસની અછત નહીં થાય, પણ હોટેલ બિઝનેસમાં સાથે સંકળાયેલા લોકોના જણાવવા મુજબ વાસ્તવિકતા જુદી જ છે.
હોટેલ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન-વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI)ના વાઇસ પ્રેસિડન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ પાંચમી માર્ચે નોટિફિકેશન જાહેર કર્યા પછી અનેક સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે હોટેલ, રેસ્ટોરાંમાં કમર્શિયલ LPG સિલિન્ડર સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આની સૌથી મોટી અસર એકલા રહેતા અને રેસ્ટોરાં કે ક્લાઉડ કિચનમાંથી જ નિયમિત ભોજન લેતા વિદ્યાર્થીઓ અને ટૂરિસ્ટ્સને થશે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
