News of Wednesday, 11th March 2026
UCC લાગુ કરવાનો સમય આવી ગયો છે, હવે સંસદ નિર્ણય લે
શરિયત કાયદામાં સુધારા કરવાની ઉતાવળ કરાશે તો કાયદાકીય શૂન્યાવકાશ સર્જાશેઃ સુપ્રીમ

નવી દિલ્હી તા.૧૧: સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાની આવશ્યકતા પર ફરી એકવાર ભાર મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે જણાવ્યું હતું કે, હવે ‘યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)' લાગુ કરવાનો સમય આવી ગયો છે. અદાલતે ઈ.સ. ૧૯૩૭ના શરિયત કાયદાની જોગવાઈઓને મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ ગણાવી તેને રદ કરવાની વિનંતી કરતી અરજી પર આ ટિપ્પણી કરી હતી.
આ સાથે સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, તમામ ધર્મની મહિલાઓને ન્યાય અપાવવા માટે સમાન કાયદાની જરૂરિયાત અનુભવી શકાય છે, પરંતુ આ બાબતે માત્ર સરકારે જ વિચાર કરવો જોઈએ. ચીફ જાસ્ટિસ સૂર્યકાંત, જાસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જાસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે મામલાની ગંભીરતાને સમજતા કહ્યું કે, જો કોર્ટ સીધેસીધો શરિયત કાયદાને નાબૂદ કરી દે, તો તેનાથી ‘કાયદાકીય શૂન્યાવકાશ' સર્જાશે. આવી સ્થિતિમાં મુસ્લિમ વારસાના હકોને નિયંત્રિત કરવા માટે કોઈ વૈકલ્પિક કાયદો અસ્તિત્વમાં રહેશે નહીં. અદાલતે અરજદારની માગને હકારાત્મક ગણાવી સ્પષ્ટ કર્યું કે આ મુદ્દાને સંસદની વિવેકબુદ્ધિ પર છોડવો જ સૌથી યોગ્ય રહેશે.કોર્ટે સ્વીકાર્યું હતું કે, તેણે અગાઉ પણ ઘણી વખત ‘યુનિફોર્મ સિવિલ કોડ' (યુસીસી) લાગુ કરવાની ભલામણ કરી છે, પરંતુ આખરી નિર્ણય તો સંસદે જ લેવાનો છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
