<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

NCERT વિવાદઃ સુપ્રીમ કોર્ટની લાલ આંખઃ ન્‍યાયતંત્રને બદનામ કરનારાઓની હવે ખેર નથી

ધોરણ ૮ ના પાઠ્‍યપુસ્‍તકમાં ન્‍યાયતંત્રની ગરિમા હણતા ત્રણ લેખકોની હકાલપટ્ટી : કેન્‍દ્રને એક સપ્તાહમાં નવી નિષ્‍ણાત સમિતિ રચવા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા તત્‍વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

નવી દિલ્‍હી, તા.૧૧: NCERT પુસ્‍તક વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્‍પદ સામગ્રી તૈયાર કરનાર પ્રોફેસર મિશેલ ડેનિનો, સુપર્ણા દિવાકર અને આલોક પ્રસન્ના કુમારને અભ્‍યાસક્રમની તમામ કામગીરીમાંથી તાત્‍કાલિક દૂર કરવા આદેશ આપ્‍યો છે. મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતની બેન્‍ચે કેન્‍દ્રને એક અઠવાડિયામાં નવી ડોમેન એક્‍સપર્ટ કમિટી રચવા જણાવ્‍યું છે, જેમાં પૂર્વ ન્‍યાયાધીશ અને કાનૂની વિદ્વાનોનો સમાવેશ થશે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે ન્‍યાયતંત્રની ખામીઓ સુધારવી આવકાર્ય છે, પરંતુ શિક્ષણના નામે તેને બદનામ કરવું અસ્‍વીકાર્ય છે.

ચુકાદા દરમિયાન CJI સૂર્યકાંતે અત્‍યંત કડક શબ્‍દોમાં ચેતવણી આપી કે, CJI તરીકે હું ન્‍યાયતંત્રને બદનામ કરનારાઓને છોડવાનો નથી. કોર્ટે ન્‍યાયિક ગરિમા જાળવવા માટે રાષ્‍ટ્રીય ન્‍યાયિક એકેડેમી, ભોપાલની મદદ લેવા સૂચના આપી છે. આ સાથે જ અદાલતે સરકારને નિર્દેશ આપ્‍યો છે કે સોશિયલ મીડિયા પર ન્‍યાયાધીશો વિરુદ્ધ અપમાનજનક ટિપ્‍પણી કરનારા ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સને ઓળખી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ કડક વલણ સૂચવે છે કે હવે શૈક્ષણિક સામગ્રીમાં ન્‍યાયતંત્રની છબી સાથે કોઈ પણ પ્રકારના ચેડાં સાંખી લેવામાં નહીં આવે. કોર્ટે લેખકોને સ્‍પષ્ટ કીધું છે કે જો તેમને વાંધો હોય તો તેઓ અદાલતનો સંપર્ક કરી શકે છે, પરંતુ હાલમાં તેમને શૈક્ષણિક પ્રક્રિયાથી દૂર રાખવા અનિવાર્ય છે. 

 

(2:29 PM IST)