<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

રસોડાના સ્‍વાદમાં ઝેર? એવરેસ્‍ટ મસાલાના સેમ્‍પલ ટેસ્‍ટમાં ફેઈલ

લીવર માટે ખતરનાક બેક્‍ટેરિયા મળ્‍યાનો દાવોઃ યુટયુબ ચેનલ ‘ટ્રસ્‍ટિફાઈડ'ના લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ગરમ મસાલા અને મીટ મસાલામાં FSSAIની મર્યાદા કરતા વધુ જંતુનાશકો અને એન્‍ટરબેક્‍ટેરિયાસી બેક્‍ટેરિયા મળી આવતા ગૃહિણીઓમાં ફફડાટ

નવી દિલ્‍હી, તા.૧૧: ભારતીય રસોડાની શાન ગણાતા એવરેસ્‍ટ મસાલા અત્‍યારે વિવાદોના વમળમાં ફસાયા છે. ટ્રસ્‍ટિફાઈડ નામની યુટયુબ ચેનલે માર્ચ 20er6માં કરેલા એક સ્‍વતંત્ર લેબ પરીક્ષણમાં દાવો કર્યો છે કે એવરેસ્‍ટના લોકપ્રિય ઉત્‍પાદનો જેવા કે ગરમ મસાલા, કિચન કિંગ અને મીટ મસાલામાં ખતરનાક જંતુનાશકો અને બેક્‍ટેરિયાનું પ્રમાણ નિયત મર્યાદા કરતા ઘણું વધારે છે. આ રિપોર્ટ મુજબ, મસાલામાં એસીટામિપ્રિડ અને કાર્બેન્‍ડાઝીમ જેવા ઝેરી કેમિકલ્‍સ મળી આવ્‍યા છે, જે લાંબા ગાળે લીવર અને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સોશિયલ મીડિયા પર આ અહેવાલ વાયરલ થતા જ બ્રાન્‍ડેડ મસાલાની શુદ્ધતા પર મોટા સવાલો ઉભા થયા છે.

લેબ રિપોર્ટમાં સૌથી ચિંતાજનક બાબત એન્‍ટરોબેક્‍ટેરિયાસી બેક્‍ટેરિયાની હાજરી છે. આ બેક્‍ટેરિયાનો સમૂહ સાલ્‍મોનેલા અને ઇ. કોલી જેવા જીવાણુઓ ધરાવે છે, જે ફૂડ પોઈઝનિંગ, ઉલટી અને ઝાડા માટે જવાબદાર હોય છે. પરીક્ષણ મુજબ, એવરેસ્‍ટ મીટ મસાલા અને ગરમ મસાલામાં જંતુનાશકોના અવશેષો એટલા ઉંચા સ્‍તરે હતા કે તે સુરક્ષા માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે કાચા માલની અયોગ્‍ય સફાઈ અથવા પેકેજિંગ દરમિયાન સ્‍વચ્‍છતાના અભાવે મસાલામાં આવા બેક્‍ટેરિયા ઉછરી શકે છે, જે ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે સીધા ચેડા સમાન છે.

આ અહેવાલ બાદ હવે લોકોમાં ભયનો માહોલ છે કે શું દરરોજ વપરાતા પેકેજ્‍ડ મસાલા ખરેખર સુરક્ષિત છે? જોકે, એવરેસ્‍ટ કંપની તરફથી હજુ સત્તાવાર સ્‍પષ્ટતાની રાહ જોવાઈ રહી છે, પરંતુ ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા  આ મામલે તપાસ કરે તેવી માંગ ઉઠી છે. ત્‍યાં સુધી સ્‍વાસ્‍થ્‍ય નિષ્‍ણાતો લોકોને મસાલાનો ઉપયોગ કરતા પહેલા તેની ગુણવત્તા તપાસવા અથવા ઘરે બનાવેલા મસાલાનો આગ્રહ રાખવા સલાહ આપી રહ્યા છે. આ વિવાદે સાબિત કર્યું છે કે બ્રાન્‍ડ ગમે તેટલી મોટી હોય, ગ્રાહકની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ

(4:05 PM IST)