News of Wednesday, 11th March 2026
ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય: રાજ્યભરમાં જમીન માપણીની ક્ષતિઓ સુધારવા ‘ભૂમિ સીમાંકન’ અભિયાનનો પ્રારંભ
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં હાઈ-પાવર કમિટીઓ રચાશે અને જટિલ કેસો માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ કાર્યરત થશે; સાત વિવિધ કેટેગરી હેઠળ અરજીઓનું આયોજનબદ્ધ નિવારણ લાવી ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને નવી ગતિ અપાશે

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના લાખો ખેડૂતો અને ગ્રામીણ જનતાના હિતમાં એક ક્રાંતિકારી અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. પ્રમોલગેશન થયેલા ગામોમાં જમીન માપણી દરમિયાન રહી ગયેલી ટેકનિકલ કે વહીવટી ક્ષતિઓની સુધારણા માટે હવે સમગ્ર રાજ્યમાં એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ માળખા હેઠળ ‘ભૂમિ સીમાંકન’ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરતા ભુપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા અને ચોકસાઈપૂર્વક જમીન વિવાદોનો નિકાલ લાવી ‘ગુડ ગવર્નન્સ’ની અનુભૂતિ કરાવવાનો છે.
જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં સમિતિ અને સત્તાનું વિકેન્દ્રીકરણ:
આ નવા અભિગમ હેઠળ દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ‘ભૂમિ સીમાંકન સમિતિ’ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં નિવાસી અધિક કલેક્ટર, નાયબ નિયામક જમીન દફતર (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જમીન સંપાદન અધિકારી જેવા પાયાના વહીવટી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ સમયાંતરે જિલ્લાની કામગીરીની સમીક્ષા કરશે અને માપણીની ભૂલો સુધારવાની પ્રક્રિયાને ગતિ આપશે.
અરજીઓના નિકાલ માટે સાત વૈજ્ઞાનિક કેટેગરી:
ભૂમિ સીમાંકન અંતર્ગત આવતી હજારો અરજીઓના સુચારૂં નિકાલ માટે મહેસૂલ વિભાગે સાત વિશિષ્ટ કેટેગરીઓ નક્કી કરી છે:
૧. જે જમીનોમાં સરકારી કે જાહેર હિતના ક્ષેત્રફળમાં ઘટાડો થયો નથી અને કોઈ વાંધો ઉપસ્થિત થયો નથી.
૨. સરકારી જમીનમાં ફેરફાર ન હોય અને ખાતેદારો વચ્ચે પણ કોઈ વિવાદ બાકી ન હોય તેવા કિસ્સા.
૩. સરકારી જમીન યથાવત હોય પરંતુ અરજીઓ પેન્ડિંગ હોય.
૩A. સરકારી જમીનના હિતો અસર પામતા હોય અને વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
૪. જે ગામોમાં ૩૦% થી વધુ સરવે નંબરોમાં કબ્જા ફેરફાર (અવલ-દવલ)ની મોટી સમસ્યા હોય.
૫. વાંધાઓ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સુધી સીમિત હોય.
૬. ૩૦% થી વધુ નંબરોમાં ક્ષેત્રફળ ફેરફાર અને આકૃતિમાં ગંભીર ફેરફાર (Cascading Effect) હોય.
૭. જ્યાં હજુ સુધી પ્રમોલગેશન થયું જ નથી તેવા ગામો.
દ્વાર પર ન્યાય - મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટની વ્યવસ્થા:
ખેડૂતોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સમયનો બચાવ થાય તે માટે ભુપેન્દ્રભાઈ પટેલે તાલુકા કક્ષાના અધિકારીઓને વિશેષ સત્તા આપી છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની બનેલી ‘મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ’ હવે સ્થળ પર જઈને જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૧૧૯, ૧૨૦ અને જમીન મહેસૂલ નિયમ ૨૧ (૧, ૨, ૩) મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને જટિલ પ્રશ્નોનું નિવારણ લાવશે.
આ નિર્ણયથી ખેતીની જમીન માપણીમાં દાયકાઓથી ચાલી આવતી વિસંગતતાઓ દૂર થશે. મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગને તાકીદ કરી છે કે આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને ખેડૂતોને વહીવટી તંત્રના સુધારાનો સીધો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
