<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ગુજરાતમાં નેશનલ હાઇવે પરથી પાંચ વર્ષમાં ૨૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલાયો: સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્ન પર કેન્દ્રનો પ્રત્યુત્તર

હાઇવેના વિકાસ અને જાળવણી માટે રાજ્યને ૪૭,૨૩૬ કરોડનું ભંડોળ ફાળવાયું; દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે માર્ચ-૨૦૨૮ સુધીમાં અને રાજકોટ-જેતપુર સેક્શન જાન્યુઆરી-૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી કુલ ૨૦,૩૮૩ કરોડ રૂપિયાની ટોલ આવક મેળવી છે. તેની સામે આ જ સમયગાળામાં રાજ્યમાં નેશનલ હાઇવેના નિર્માણ, વિકાસ અને જાળવણી માટે ૪૭,૨૩૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ૧૧ માર્ચ, ૨૦૨૬ના રોજ આ આંકડાકીય માહિતી પૂરી પાડી હતી.

પરિમલભાઈ નથવાણીએ ગુજરાતના મુખ્ય હાઇવે માર્ગોની સ્થિતિ, ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમયમર્યાદા અને ખાસ કરીને ભરૂચ-સુરત તથા અમદાવાદ-હિંમતનગર હાઇવે પર રોડની તૂટેલી સપાટી અને ખાડાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. તેમણે મુંબઈ-અમદાવાદ (NH-48) અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર ચાલી રહેલી કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે પણ પૃચ્છા કરી હતી.

મુખ્ય હાઇવે પ્રોજેક્ટ્સની પ્રગતિ અને સમયમર્યાદા:
મંત્રીના જવાબ અનુસાર, NH-48 પર વાપી-સુરત અને સુરત-ભરૂચના પટ્ટામાં ૬-લેનિંગનું કામ પૂર્ણ થયા બાદ હાલ તે જાળવણી હેઠળ છે. અહીં ૧૬ જેટલા નવા પુલ, ફ્લાયઓવર અને અંડરપાસનું બાંધકામ ચાલી રહ્યું છે, જે જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ભરૂચ-વડોદરા સેક્શનમાં પણ ૦૭ પુલ અને ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂરું થશે. શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના ૬-લેનિંગનું બાકી રહેલું કામ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાની નેમ રાખવામાં આવી છે.

આ ઉપરાંત, રાજકોટ-જેતપુર સેક્શન (NH-27) પર ૬-લેનિંગની કામગીરી જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. જ્યારે રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકારના હસ્તક છે અને રાજ્યના બજેટમાંથી તેનું કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રનો મહત્વકાંક્ષી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે માર્ચ-૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

પાંચ વર્ષની ટોલ આવક અને ફાળવણીની વિગત:
વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૧૭૮ કરોડના ટોલ સામે ૭૫૩૩ કરોડની ફાળવણી થઈ હતી. ત્યારબાદ ૨૦૨૧-૨૨માં ૩૭૪૪ કરોડની આવક સામે ૧૦,૭૧૦ કરોડ ફાળવાયા હતા. ૨૦૨૨-૨૩માં ૪૦૯૦ કરોડના ટોલ સામે ૯૮૩૧ કરોડ અને ૨૦૨૩-૨૪માં ૪૩૯૪ કરોડની આવક સામે ૧૦,૯૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લે ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૪૯૭૫ કરોડના ટોલ કલેક્શન સામે રાજ્યને હાઇવે જાળવણી માટે ૮૨૬૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના હાઇવે હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે.

(5:38 PM IST)