તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 11th March 2026
હંસિકા મોટવાણીના લગ્નનો અંત: સોહેલ કથુરિયા સાથેના 4 વર્ષના સંબંધો પર મુકાયું પૂર્ણવિરામ
જયપુરના કિલ્લામાં થયેલા શાહી લગ્ન કોર્ટના દરવાજે આવીને અટક્યા: 'મિત્રનું ઘર તોડવાના' આરોપો વચ્ચે શરૂ થયેલી લવ સ્ટોરીમાં આખરે પ્રોફેશનલ મતભેદો અને સુસંગતતાના અભાવે ભંગાણ પડ્યું

મુંબઈ: ગ્લેમર વર્લ્ડની લોકપ્રિય અભિનેત્રી હંસિકા મોટવાણી અને બિઝનેસમેન સોહેલ કથુરિયાના લગ્નજીવનના અંતના સમાચારે મનોરંજન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે આ દંપતીની છૂટાછેડાની અરજીને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે, જેની સાથે જ તેમના ચાર વર્ષના સફરનો અંત આવ્યો છે. ડિસેમ્બર 2022માં જયપુરના ભવ્ય મુંડોટા ફોર્ટ ખાતે યોજાયેલા તેમના શાહી લગ્ન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછા નહોતા, પરંતુ વાસ્તવિક જીવનમાં આ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. સોશિયલ મીડિયા પરથી એકબીજાના ફોટા ગાયબ થતા જ ચાહકોમાં અટકળો શરૂ થઈ હતી, જે હવે સત્ય સાબિત થઈ છે.
હંસિકા અને સોહેલના લગ્ન શરૂઆતથી જ વિવાદોના ઘેરામાં રહ્યા હતા. સોહેલના આ બીજા લગ્ન હતા અને તેની પ્રથમ પત્ની રિંકી બજાજ હંસિકાની જ ખાસ બહેનપણી હતી. જ્યારે હંસિકા અને સોહેલના લગ્નની વાત સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેત્રી પર 'મિત્રનું ઘર તોડવા'ના ગંભીર આરોપો લાગ્યા હતા. જોકે, હંસિકાએ આ બાબતે પોતાની વેબ સિરીઝ "હંસિકા લવ શાદી ડ્રામા" માં સ્પષ્ટતા કરી હતી કે તેને સોહેલના ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ, કમનસીબે જે લગ્નને દુનિયા સામે એક દસ્તાવેજી શ્રેણી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા, તે લગ્નજીવન લાંબુ ટકી શક્યું નહીં.
અભિનેત્રીના વકીલ અદનાન શેખના જણાવ્યા અનુસાર, આ અલગ થવા પાછળનું મુખ્ય કારણ બંનેની અલગ-અલગ કારકિર્દી અને એકબીજા સાથેના વિચારોમાં જોવા મળતો વિરોધાભાસ છે. હંસિકા દક્ષિણ ભારતીય અને બોલિવૂડ ફિલ્મોમાં સતત વ્યસ્ત રહેતી હતી, જ્યારે સોહેલ તેના બિઝનેસમાં મશગૂલ હતો, જેના કારણે તેમની વચ્ચે અંતર વધતું ગયું. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી જાહેરમાં નિવેદન આપ્યું નથી, પરંતુ કોર્ટના આદેશ બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે હવે હંસિકા અને સોહેલ પોતપોતાની જિંદગીમાં અલગ રસ્તા પર આગળ વધી રહ્યા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
