તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
ઈરાનના નવા સુપ્રીમ લીડર 'ગાયબ': મોજતબા ખામનેઈ ઘાયલ કે ભૂગર્ભમાં? ઈઝરાયલી જાસૂસી અહેવાલોથી ખળભળાટ
સત્તા સંભાળ્યાના ત્રણ દિવસ બાદ પણ આયાતુલ્લાહ મોજતબા ખામેની રહસ્યમય રીતે જનતાની નજરથી દૂર: અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હોવાના દાવાએ તેહરાનથી તેલ અવીવ સુધી અટકળોનું બજાર ગરમ કર્યું

તેહરાન: ઈરાનના રાજકારણમાં અત્યારે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થયાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં, 56 વર્ષીય મોજતબા ખામેની ક્યાં છે તે અંગે કોઈ જ સત્તાવાર માહિતી બહાર આવી નથી. સામાન્ય રીતે ઈરાનના સર્વોચ્ચ નેતા ટેલિવિઝન પર આવીને જનતાને સંબોધન કરતા હોય છે, પરંતુ મોજતબાએ હજુ સુધી ન તો કોઈ વીડિયો સંદેશ જાહેર કર્યો છે કે ન તો કોઈ નિવેદન આપ્યું છે. ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે ઈરાન પર થયેલા ભીષણ અમેરિકન-ઈઝરાયલી હવાઈ હુમલામાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા છે અને અત્યારે તેઓ અત્યંત ગુપ્ત લોકેશન પર સારવાર હેઠળ છે. આ એ જ હુમલો હતો જેમાં તેમના પિતા અને પત્નીનું મૃત્યુ થયું હતું, જેણે આ રહસ્યને વધુ ઘેરું બનાવ્યું છે.
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના પુત્રએ સોશિયલ મીડિયા પર મોજતબાના સ્વાસ્થ્ય અંગે 'સારા સમાચાર' આપવાની કોશિશ કરી હતી, પરંતુ તેની પાછળ કોઈ નક્કર પુરાવા ન હોવાથી અટકળો અટકી નથી. ઈરાની સ્ટેટ ટીવી પર મોજતબાના જૂના ફૂટેજ બતાવીને તેમને "રમઝાનનો વીર" (યુદ્ધમાં ઘાયલ સૈનિક) તરીકે સંબોધવામાં આવી રહ્યા છે, જે પરોક્ષ રીતે તેમની ઈજાના સંકેતો આપે છે. વિશ્લેષકોનું માનવું છે કે જો મોજતબા ખરેખર સ્વસ્થ હોત, તો ઈરાની શાસન અત્યારે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મનોબળ વધારવા માટે તેમને ચોક્કસપણે દુનિયા સામે રજૂ કરત. તેમની ગેરહાજરી ઈરાની વહીવટીતંત્રમાં પણ છૂપો ફફડાટ પેદા કરી રહી છે.
ઈરાનની શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડ્સ એ મોજતબાને સત્તા સોંપવા માટે ભારે દબાણ કર્યું હતું, કારણ કે તેઓ તેમના પિતાની કટ્ટરપંથી નીતિઓના પ્રખર સમર્થક માનવામાં આવે છે. જોકે, સુપ્રીમ લીડર બન્યાના શરૂઆતના દિવસોમાં જ તેમનું આમ રહસ્યમય રીતે ગાયબ રહેવું એ દેશની આંતરિક સુરક્ષા અને નેતૃત્વ પર અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે. શું તેઓ હુમલાથી બચવા માટે ઊંડા બંકરોમાં છુપાયેલા છે કે પછી ખરેખર યુદ્ધની આંચમાં તેઓ પરાસ્ત થયા છે, તે જોવાનું રહ્યું. અત્યારે તો આખું વિશ્વ તેહરાન તરફ મીટ માંડીને બેઠું છે કે ક્યારે ઈરાનનો નવો 'ચહેરો' જનતા સામે આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
