હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એશિયન દેશોમાં હાહાકાર મચ્યો : તેલ સંકટે પાકિસ્તાન-બાંગ્લાદેશમાં શાળાઓ કરાવી બંધ : થાઈલેન્ડ-ફિલિપાઈન્સમાં 'વર્ક ફ્રોમ હોમ'
ઉર્જા બચાવવા માટે વિયેતનામમાં કારપૂલિંગ અને પાકિસ્તાનમાં 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી.

નવી દિલ્હી: ઈરાન યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલી હિંસાની આંચ હવે સમગ્ર એશિયાના રસોડા અને ઓફિસો સુધી પહોંચી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા વૈશ્વિક તેલ પુરવઠાનો 20% હિસ્સો અટકી પડ્યો છે, જેના કારણે પાકિસ્તાનથી લઈને ફિલિપાઈન્સ સુધીના દેશો ઘૂંટણિયે પડ્યા છે. પાકિસ્તાને ઈંધણ બચાવવા માટે પંજાબ પ્રાંતમાં 31 માર્ચ, 2026 સુધી શાળાઓ બંધ રાખવાનો અને ફેડરલ ઓફિસોમાં 4-દિવસના કાર્ય સપ્તાહનો આદેશ આપ્યો છે. શ્રીલંકા અને તાઈવાન જેવા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશમાં ભારતની મદદ છતાં તેલનું રેશનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
થાઈલેન્ડ અને વિયેતનામમાં સરકારે ઉર્જા બચાવવા માટે કડક આદેશો જારી કર્યા છે. થાઈલેન્ડમાં સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા અને ઓફિસોમાં એસીનું તાપમાન 26 ડિગ્રી રાખવાની સૂચના અપાઈ છે, જ્યારે વિયેતનામમાં પેટ્રોલ પંપો પર માઈલો લાંબી કતારો જોવા મળી રહી છે. ફિલિપાઈન્સમાં 90% તેલ ખાડી દેશોમાંથી આવતું હોવાથી ત્યાં પણ 4-દિવસના વર્ક વીકનો અમલ થયો છે. ચીન અને જાપાન જેવા સમૃદ્ધ દેશો હવે તેમના ઈમરજન્સી તેલ ભંડારો ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે દૈનિક 20 મિલિયન બેરલ તેલનો પ્રવાહ અટકી જવાથી ઉદ્યોગો ઠપ્પ થવાની ભીતિ છે.
ભારતમાં પણ આ યુદ્ધની અસર વર્તાઈ રહી છે, જ્યાં જેટ ઈંધણના ભાવ વધતા હવાઈ મુસાફરી મોંઘી થઈ છે. બાંગ્લાદેશમાં ઉર્જા બચાવવા યુનિવર્સિટીઓ બંધ કરી દેવાઈ છે અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. દક્ષિણ એશિયાના દેશો હવે તેલ માટે સાઉદી અરેબિયા જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ મીટ માંડી રહ્યા છે, પરંતુ યુદ્ધ લંબાય તો આર્થિક મંદી નિશ્ચિત મનાઈ રહી છે. સામાન્ય જનતા માટે હવે અંગત વાહનોને બદલે જાહેર પરિવહન અને કારપૂલિંગ એ વિકલ્પ નહીં પણ મજબૂરી બની ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
