<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

બ્રિટનમાં વસતા ભારતીયો પર ખતરો: ‘Insight UK’ એ હેરો અને વેમ્બલીમાં રહેતા હિન્દુ સમુદાયને સતર્ક રહેવા જારી કરી એડવાઇઝરી

ભારતીય વ્યવસાયો પર લક્ષિત હુમલા વધતા સુરક્ષા અંગે ગંભીર ચિંતા: મેટ્રોપોલિટન પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલ, ‘રંગરેઝ’ રેસ્ટોરન્ટના માલિક હરમન સિંહ કપૂરે વારંવારની તોડફોડ બાદ ધંધો સમેટવાની તૈયારી બતાવી

લંડન: બ્રિટનમાં રહેતા ભારતીય અને ખાસ કરીને હિન્દુ સમુદાય માટે સુરક્ષાના પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. યુકે સ્થિત પ્રભાવશાળી સમુદાય સંગઠન ‘Insight UK’ એ લંડનના હેરો (Harrow) અને વેમ્બલી (Wembley) જેવા ભારતીય બહુલ વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ માટે ખાસ ચેતવણી જારી કરી છે. સંગઠને ભારતીય વ્યવસાયો અને વ્યક્તિઓ પર થઈ રહેલા લક્ષિત હુમલાઓને ધ્યાને રાખીને સમુદાયના સભ્યોને અત્યંત સાવધાની રાખવાની વિનંતી કરી છે.
કાયદાકીય કાર્યવાહી માટે પુરાવા એકત્રિત કરવા અપીલ
બ્રિટિશ હિન્દુઓની સમસ્યાઓ માટે લડતી આ સંસ્થાએ જણાવ્યું છે કે જો કોઈને પણ આવા કોઈ હુમલા અથવા પજવણીનો અનુભવ થાય, તો તેમણે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી પુરાવા અને વિડિયો ફૂટેજ એકત્રિત કરવા જોઈએ. ઇનસાઇટ યુકેએ મેટ્રોપોલિટન પોલીસને પણ કડક શબ્દોમાં વિનંતી કરી છે કે તેઓ આ ઘટનાઓને હળવાશથી લેવાને બદલે ‘હિન્દુ વિરોધી નફરત ગુના’ (Hate Crimes) તરીકે નોંધીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે.
‘રંગરેઝ’ રેસ્ટોરન્ટના માલિકની વેદના
તાજેતરમાં લંડનની જાણીતી ‘રંગરેઝ’ રેસ્ટોરન્ટના માલિક હરમન સિંહ કપૂર પર થયેલા હુમલાઓએ ભારે હોબાળો મચાવ્યો છે. કપૂરે પોતાની રેસ્ટોરન્ટમાં હલાલ માંસ ન વેચવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે તેમને સતત તોડફોડ અને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત ૭ માર્ચે પણ તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે હાર માનીને હરમન સિંહે પોતાની રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ કરવાની યોજના જાહેર કરી છે, જે સમુદાય માટે આંચકાજનક સમાચાર છે.
પોલીસની ભૂમિકા સામે આકરા સવાલ
ઇનસાઇટ યુકેએ પોલીસ વહીવટીતંત્રને અપીલ કરી છે કે તેઓ હિન્દુ સમુદાયને લાયક સુરક્ષા પૂરી પાડે. સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે પોલીસ આ ઘટનાઓને માત્ર સામાન્ય ગુનાઓ તરીકે ગણાવીને મામલાને દબાવવાનો પ્રયાસ ન કરે. યુકેમાં વસતા ભારતીય સમુદાયમાં અત્યારે ભય અને રોષનો માહોલ છે અને તેઓ બ્રિટિશ સરકાર પાસે પોતાની સુરક્ષાની ખાતરી માંગી રહ્યા છે.

(6:36 PM IST)