News of Wednesday, 11th March 2026
સિલિકોન વેલીમાં બે ભારતીય નેતાઓ સામસામે: રો ખન્નાના ગઢમાં ગાબડું પાડવા ભોપાલના ઇમિગ્રન્ટ પુત્ર ઇથન અગ્રવાલે રણશિંગું ફૂંક્યું
દેશના સૌથી ધનિક જિલ્લામાંથી બાળપણની ગરીબી નાબૂદ કરવાનો ઇથનનો મહત્વાકાંક્ષી સંકલ્પ: કોંગ્રેસમેન પર લગાવ્યા સ્ટોક ટ્રેડિંગ અને રાષ્ટ્રપતિ પદની લાલસાના ગંભીર આક્ષેપ

સેન્ટા ક્લેરા: કેલિફોર્નિયાના ૧૭મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં આ વખતે એક રસપ્રદ રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ભારતના ભોપાલથી અમેરિકા સ્થાયી થયેલા દંપતીના પુત્ર અને ટેક ઉદ્યોગસાહસિક ઇથન અગ્રવાલે વર્તમાન કોંગ્રેસમેન રો ખન્ના સામે પ્રાઈમરીમાં લડવાની જાહેરાત કરી છે. 'ન્યૂ ઇન્ડિયા અબ્રોડ' સાથેના વિશેષ ઇન્ટરવ્યુમાં અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ વિસ્તારમાં રહેતા સામાન્ય લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે મેદાનમાં ઉતર્યા છે.
ગરીબી નાબૂદી અને સસ્તા આવાસની પ્રાથમિકતા
ઇથન અગ્રવાલે તેમના એજન્ડામાં સૌથી ઉપર ૧૭મા જિલ્લામાંથી બાળપણની ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "આ દેશનો સૌથી ધનિક જિલ્લો હોવા છતાં અહીં ૫,૦૦૦ બાળકો ગરીબીમાં જીવે છે. આપણી પાસે સંસાધનો છે, બસ મજબૂત ઈચ્છાશક્તિની જરૂર છે." આ ઉપરાંત, તેઓ રાજ્ય સ્તરે $૨ થી $૪ લાખની રેન્જમાં સસ્તા આવાસ (Housing) પૂરા પાડીને કેલિફોર્નિયામાંથી થતા પલાયનને અટકાવવા માંગે છે.
રો ખન્ના પર આકરા પ્રહારો
અગ્રવાલે કોંગ્રેસમેન રો ખન્ના પર આક્ષેપ કર્યો હતો કે તેમની ૨૦૨૮માં રાષ્ટ્રપતિ બનવાની મહત્વાકાંક્ષાને કારણે તેઓ પોતાના જિલ્લાના લોકોની જરૂરિયાતોને અવગણી રહ્યા છે. સૌથી ચોંકાવનારો આરોપ લગાવતા અગ્રવાલે કહ્યું કે, "રો ખન્નાએ ગયા વર્ષે $૫૫.૭ મિલિયનના સ્ટોકનો વેપાર કર્યો છે, જે નેન્સી પેલોસી કરતા પણ વધુ છે. તેઓ પોતાની સમિતિઓના પદનો ઉપયોગ અંગત આર્થિક ફાયદા માટે કરી રહ્યા છે." અગ્રવાલે કોંગ્રેસના સભ્યો અને તેમના પરિવારો માટે સ્ટોક ટ્રેડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે.
એશિયન સમુદાય અને ભારત-યુએસ સંબંધો
જે જિલ્લામાં ૬૦ ટકા વસ્તી એશિયન (ભારતીય અને ચીની) છે, ત્યાં અગ્રવાલ વંશીય દ્વેષ ઘટાડવા અને સહ-અસ્તિત્વના મોડેલ પર ભાર મૂકી રહ્યા છે. તેઓ માને છે કે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો ૧૭મા જિલ્લાની ટેક કંપનીઓ અને સ્થાનિક રોજગારી માટે અનિવાર્ય છે. વ્હાર્ટનમાંથી MBA કર્યા બાદ સફળ બિઝનેસમેન બનેલા ઇથન હવે પોતાની વ્યાવસાયિક કુશળતાનો ઉપયોગ જાહેર સેવામાં કરવા માંગે છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
