હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
LPG સંકટ ટળ્યું: ભારતની રણનીતિક જીત: હવે સમુદ્રી માર્ગો બદલાતા રસોડામાં ગેસનો ધગધગાટ યથાવત રહેશે
મધ્ય પૂર્વના યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટના અવરોધો વચ્ચે ભારતે વૈકલ્પિક સપ્લાય લાઇન મજબૂત કરી: LNG ના નવા કાર્ગો અને સ્થાનિક ઉત્પાદનમાં 25% ના ઉછાળા સાથે હવે સિલિન્ડર માટે લાંબી રાહ જોવી નહીં પડે

દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધતા જતા ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ભારતની ઉર્જા સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું હતું, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ ભારતે ખૂબ જ ચતુરાઈથી આ સંકટનો માર્ગ શોધી કાઢ્યો છે. પેટ્રોલિયમ અને માનવ સંસાધન મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ખાતરી આપી છે કે દેશમાં LPG અને ક્રૂડ ઓઇલનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૌથી મોટો ફેરફાર 'હોર્મુઝ સ્ટ્રેટ' પરની નિર્ભરતામાં જોવા મળ્યો છે. અગાઉ ભારતનો 90% આયાતી જથ્થો આ સંવેદનશીલ જળમાર્ગ પર આધારિત હતો, પરંતુ હવે ભારતે ગિયર બદલીને 75% ક્રૂડ ઓઇલ અન્ય સુરક્ષિત માર્ગો દ્વારા મંગાવવાનું શરૂ કર્યું છે. આ વ્યૂહાત્મક પરિવર્તનથી યુદ્ધના સંજોગોમાં પણ ભારતની સપ્લાય ચેઈન અવિરત રહેશે.
બીજી તરફ, ઘરેલુ મોરચે LPG ના અછતની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા સરકારે જણાવ્યું છે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના બે વિશાળ કાર્ગો ભારતની બંદરો પર આવી રહ્યા છે. દેશની રિફાઇનરીઓ અત્યારે યુદ્ધના ધોરણે 100% થી પણ વધુ ક્ષમતા પર કામ કરી રહી છે જેથી ગ્રાહકોને સમયસર ગેસ મળી રહે. મહત્વની વાત એ છે કે, સરકારના પ્રોત્સાહક પગલાંને લીધે સ્થાનિક LPG ઉત્પાદનમાં 25% નો ધરખમ વધારો નોંધાયો છે. હાલમાં ભારતનો કુલ ગેસ વપરાશ દરરોજ 189 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) છે, જેની સામે સ્થાનિક ઉત્પાદન અને આયાત વચ્ચેનો તાલમેલ બેસાડી દેવામાં આવ્યો છે, પરિણામે પુરવઠામાં જે 47.4 મિલિયન SCM ની ખાધ સર્જાઈ હતી તે હવે ઝડપથી ભરાઈ રહી છે.
સામાન્ય જનતા માટે સૌથી રાહતની વાત એ છે કે ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, બુકિંગ કર્યા બાદ ડિલિવરી માટેનો વેઇટિંગ પિરિયડ સરેરાશ માત્ર 2.5 દિવસ જ રહ્યો છે. મોંઘવારીના મોરચે પણ સરકારે રક્ષણાત્મક ઢાલ બનાવી છે; આંતરરાષ્ટ્રીય બજારમાં ભભૂકતી આગ હોવા છતાં, દિલ્હીમાં ઘરેલુ LPG ની કિંમત ₹913 પર સ્થિર રાખવામાં આવી છે. જો સરકારે સમયસર દરમિયાનગીરી ન કરી હોત અને સબસિડીનું માળખું જાળવી ન રાખ્યું હોત, તો સામાન્ય માણસે ગેસ માટે આના કરતા ઘણી ઊંચી કિંમત ચૂકવવી પડી હોત. આમ, આયાતના નવા માર્ગો અને વધેલા સ્થાનિક ઉત્પાદનને કારણે ભારત હવે 'ઉર્જા સંકટ' ના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
