<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

'સુપરવુમન' બનવાની દોડમાં બર્નઆઉટનો શિકાર બનતી નારી: ઓફિસ અને ઘરની 'ડબલ શિફ્ટ' મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો!

સવારના રસોડાથી રાતની ઓફિસ ડેડલાઇન સુધીની સફરમાં કાર્યકારી મહિલાઓ અનુભવી રહી છે અસહ્ય માનસિક થાક: નિષ્ણાંતોના મતે પગારમાં તફાવત : કામની કદરનો અભાવ અને 'પરફેક્શન'નો આગ્રહ સ્ત્રીઓને ડિપ્રેશન તરફ ધકેલી રહ્યો છે

નવી દિલ્હી  : આજના આધુનિક યુગમાં સ્ત્રીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, પરંતુ આ આત્મનિર્ભરતા પાછળ એક છુપાયેલું દર્દ 'બર્નઆઉટ' છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે કાર્યકારી મહિલાઓ પુરુષોની સરખામણીએ માનસિક અને શારીરિક થાકનો વધુ શિકાર બને છે. મનોવૈજ્ઞાનિક ડૉ. દિશા ચૌહાણના જણાવ્યા અનુસાર, સ્ત્રીઓ ઓફિસમાં આઠ કલાક કામ કર્યા પછી ઘરે આવીને ફરીથી રસોઈ, બાળકોનો અભ્યાસ અને ઘરની જવાબદારીઓની 'બીજી શિફ્ટ' શરૂ કરે છે. આ સતત ચાલતી પ્રક્રિયા તેમને પોતાનો સમય (Me-time) કાઢતા રોકે છે અને જો તેઓ આરામ કરે, તો તેમને એક પ્રકારનો 'અપરાધભાવ' (Guilt) સતાવે છે, જે તણાવનું મુખ્ય કારણ બને છે.

તણાવ વધવા પાછળ માત્ર ઘરનું કામ જ જવાબદાર નથી, પરંતુ કાર્યસ્થળ પરના ભેદભાવ પણ મોટો ભાગ ભજવે છે. સમાન પદ અને સમાન મહેનત હોવા છતાં પુરુષોની સરખામણીએ ઓછો પગાર અને કામની ઓછી કદર સ્ત્રીઓના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડે છે. આ ઉપરાંત, ઓફિસમાં નાની બાબતોમાં થતું અપમાન, સુરક્ષાની ચિંતા અને લાંબી મુસાફરી તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ઘણી મહિલાઓ 'પરફેક્ટ' પત્ની, 'પરફેક્ટ' માતા અને 'પરફેક્ટ' કર્મચારી બનવાના ચક્રવ્યૂહમાં ફસાઈને પોતાની જાતને ભૂલી જાય છે, જે અંતે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરે છે.

આ જીવલેણ તણાવમાંથી બહાર નીકળવા માટે કોઈ મોટી રજાની નહીં, પરંતુ જીવનશૈલીમાં નાના ફેરફારોની જરૂર છે. નિષ્ણાંતો સલાહ આપે છે કે મહિલાઓએ પોતાની આસપાસ મજબૂત સીમાઓ નક્કી કરવી જોઈએ અને જરૂર પડે ત્યારે 'ના' કહેતા શીખવું જોઈએ. રાત્રે સૂવાના એક કલાક પહેલા મોબાઈલથી દૂરી રાખવી, ધ્યાન (Meditation) કરવું, ગમતું સંગીત સાંભળવું કે પેઈન્ટિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ મગજ માટે 'રીસેટ બટન'નું કામ કરે છે. દરરોજ થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવવો અથવા માત્ર ૨૦ મિનિટની ઝડપી ચાલ પણ શરીરમાં તણાવના હોર્મોન્સને નિયંત્રિત કરી શકે છે, જેથી તમે ફરીથી નવી ઉર્જા સાથે દિવસની શરૂઆત કરી શકો.

(8:03 PM IST)