News of Wednesday, 11th March 2026
મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર: કતાર એરવેઝે ૧૨-૧૩ માર્ચ માટે મુંબઈ-દિલ્હીની ખાસ ફ્લાઇટ્સ જાહેર કરી
હવાઈ ક્ષેત્ર બંધ હોવા છતાં મર્યાદિત ગતિએ ઉડાન ભરશે વિમાનો: મુસાફરોને કન્ફર્મ ટિકિટ વગર એરપોર્ટ ન આવવા કડક સૂચના, કોવિડ બાદ ઉડ્ડયન ક્ષેત્ર પર સૌથી મોટું સંકટ

મુંબઈ : મધ્ય પૂર્વમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે કતારનું હવાઈ ક્ષેત્ર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. આ કટોકટીના સમયે વિદેશમાં ફસાયેલા મુસાફરોને વતન પરત લાવવા માટે ‘કતાર એરવેઝ’ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એરલાઇને ૧૨ અને ૧૩ માર્ચના રોજ દોહાથી મુંબઈ અને દિલ્હી સહિતના વૈશ્વિક શહેરો માટે મર્યાદિત સ્પેશિયલ ફ્લાઇટ્સ ચલાવવાની કામચલાઉ પરવાનગી મેળવી છે.
૧૨ અને ૧૩ માર્ચનું ખાસ શિડ્યુલ
એરલાઇન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, ૧૨ માર્ચના રોજ દોહાથી મુંબઈ (DOH-BOM) અને દિલ્હી (DOH-DEL) માટે ફ્લાઇટ્સ રવાના થશે. તેવી જ રીતે, ૧૩ માર્ચના રોજ પણ આ શહેરો માટે વિમાનો ઉડાન ભરશે. મુંબઈ અને દિલ્હી ઉપરાંત લંડન, ન્યૂ યોર્ક, ફ્રેન્કફર્ટ અને મનીલા જેવા શહેરોને પણ આ મર્યાદિત સેવામાં આવરી લેવામાં આવ્યા છે જેથી કરીને પરિવારથી દૂર ફસાયેલા લોકો ફરી જોડાઈ શકે.
એરપોર્ટ પર ભીડ ન કરવા અપીલ
કતાર એરવેઝે મુસાફરો માટે એક કડક એડવાઈઝરી જારી કરી છે. કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફ્લાઇટ્સનો અર્થ એ નથી કે સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી તેમની પાસે માન્ય અને ‘કન્ફર્મ ટિકિટ’ ન હોય ત્યાં સુધી તેઓ એરપોર્ટ પર ન આવે. એરલાઇને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી છે અને આ સંકટ સમયે ધીરજ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
ઉડ્ડયન ક્ષેત્ર પર યુદ્ધનું સંકટ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે માત્ર ભારતીય જ નહીં પરંતુ વિશ્વભરની હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ પરિસ્થિતિ વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગને કોવિડ-૧૯ મહામારી પછીના સૌથી ગંભીર સંકટ તરફ ધકેલી રહી છે. હવાઈ માર્ગો બદલાવાને કારણે મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં તોતિંગ વધારો થયો છે.
કતાર એરવેઝ દ્વારા લેવાયેલો આ નિર્ણય હજારો ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે જેઓ યુદ્ધના કારણે દોહામાં અટવાયા છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
