News of Wednesday, 11th March 2026
“માસૂમ બાળક માટે માતાનો ખોળો જ સર્વોપરી”: સ્તનપાન કરતી એક વર્ષની બાળકીની કસ્ટડી તાત્કાલિક માતાને સોંપવા બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ
પિતાની ‘કમાણી’ કરતા માતાની ‘મમતા’ને કોર્ટે ગણાવી વધુ મહત્વની: હુમલા બાદ બાળકીને છીનવી લેનાર સાસરીયાઓ સામે ન્યાયિક લાલ આંખ, વિક્રોલી પોલીસને કસ્ટડી અપાવવા નિર્દેશ

મુંબઈ : એક વર્ષની નાની બાળકી જે હજુ પણ સ્તનપાન પર નિર્ભર છે, તેના શ્રેષ્ઠ હિત અને ઉછેર માટે તે તેની માતા પાસે જ હોવી જોઈએ, તેવો મહત્વનો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. મંગળવારે ન્યાયાધીશ એસ.વી. કોટવાલ અને સંદેશ પાટીલની બેન્ચે એક પિતાને આદેશ આપ્યો હતો કે તે પોતાની પુત્રીનો કબજો તેની પત્નીને સોંપી દે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકની શારીરિક અને માનસિક જરૂરિયાતો માટે માતાની હાજરી અનિવાર્ય છે.
બળજબરીથી બાળક છીનવી લેવાનો ગંભીર આરોપ
મહિલાએ પોતાની 'હેબિયસ કોર્પસ' અરજીમાં જણાવ્યું હતું કે, ગયા મહિને તેના પતિ અને ભાભીએ તેના પર શારીરિક હુમલો કર્યો હતો અને તેની પાસેથી માસૂમ બાળકીને છીનવી લીધી હતી. આ હિંસાને કારણે મહિલાને પોતાની સલામતી માટે વૈવાહિક ઘર છોડવાની ફરજ પડી હતી. ૨૦૨૩માં લગ્ન થયા ત્યારથી જ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર થતો હોવાના આરોપ પણ મહિલાએ લગાવ્યા હતા.
પિતાની ‘કમાણી’ની દલીલ કોર્ટે ફગાવી
અરજીનો વિરોધ કરતા પતિએ એવી દલીલ કરી હતી કે પોતે કમાઈ રહ્યો છે, જ્યારે તેની પત્ની પાસે આવકનું કોઈ સાધન નથી, તેથી પિતા પાસે રહેવું બાળકના હિતમાં છે. જોકે, હાઈકોર્ટે આ દલીલને ફગાવી દેતા કહ્યું કે, પિતા કામ પર જતા હોવાથી તેઓ ૨૪ કલાક બાળકની સંભાળ રાખી શકશે નહીં. બીજી તરફ, સ્ત્રી અત્યારે તેના પિતાના ઘરે છે અને બાળકના ઉછેર માટે સંપૂર્ણ સમય આપી શકશે.
વોટ્સએપ મેસેજ બન્યા મજબૂત પુરાવા
કોર્ટે પતિ દ્વારા પત્નીને મોકલવામાં આવેલા ગંદા અને અપશબ્દોવાળા વોટ્સએપ મેસેજોની પણ ગંભીર નોંધ લીધી હતી. ન્યાયાધીશોએ ટિપ્પણી કરી કે મહિલાએ સ્વેચ્છાએ બાળક છોડ્યું નહોતું, પણ તેને મજબૂર કરવામાં આવી હતી. કોર્ટે વિક્રોલી પોલીસને તાત્કાલિક પગલાં ભરીને પિતા પાસેથી બાળકીનો કબજો લઈને માતાને સોંપવા આદેશ આપ્યો છે.
આ ચુકાદો એવા કિસ્સાઓમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે જ્યાં નાના બાળકોની કસ્ટડી બાબતે કાયદાકીય વિવાદો સર્જાય છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
