<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

સરહદ પર ‘હાઈ એલર્ટ’: જેસલમેરમાં પાકિસ્તાની સિમ કાર્ડ વાપરવા પર જેલની સજા, રાત્રિના સમયે હિલચાલ પર પણ મુકાયો કડક પ્રતિબંધ

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રનો મોટો નિર્ણય: સરહદના ૫ કિમી વિસ્તારમાં સાંજે ૬ થી સવારે ૭ વાગ્યા સુધી સંચારબંધી, વિદેશી નાગરિકો માટે પણ નિયમો થયા કડક

જેસલમેર : ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર વધતા તણાવ અને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના જેસલમેર જિલ્લા વહીવટીતંત્રે અત્યંત કડક પગલાં લીધા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતાપ સિંહે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ વિશેષ આદેશો જારી કર્યા છે, જે અંતર્ગત પાકિસ્તાની સિમ કાર્ડના ઉપયોગ અને રાત્રિના સમયે સરહદી વિસ્તારોમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની મોબાઈલ ટાવરનું જોખમ
વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, પાકિસ્તાન સરહદ પર લાગેલા મોબાઈલ ટાવરનું નેટવર્ક ભારતીય સીમાની અંદર ૩ થી ૪ કિલોમીટર સુધી પહોંચે છે. જો કોઈ ભારતીય નાગરિક પાકિસ્તાની સિમ કાર્ડનો ઉપયોગ કરે તો તેનાથી જાસૂસી કે ગોપનીય માહિતી લીક થવાનું જોખમ રહેલું છે. આથી, કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારોમાં પાકિસ્તાની સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સાંજે ૬ વાગ્યા પછી સરહદ ‘સીલ’
સુરક્ષા એજન્સીઓના સૂચન બાદ, સરહદની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોમાં સાંજે ૬ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ આદેશ જેસલમેર અને પોખરણ તહસીલના કિશનગઢ, તનોટ, લોંગેવાલા અને સાધેવાલા જેવા સંવેદનશીલ ગામોમાં ૩૦ એપ્રિલ સુધી અમલમાં રહેશે. માત્ર સક્ષમ અધિકારીની પરવાનગી ધરાવતા લોકો અથવા ફરજ પરના પોલીસ અને BSF જવાનોને જ આમાંથી મુક્તિ મળશે.
વિદેશી પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન
જેસલમેર એક પ્રવાસન સ્થળ હોવાથી, સંરક્ષિત વિસ્તારોમાં વિદેશી નાગરિકોના પ્રવેશ અંગે પણ નિયમો કડક બનાવાયા છે. હવે કોઈપણ વિદેશી નાગરિકે રોજગાર, વ્યવસાય કે પ્રવાસન માટે સંરક્ષિત વિસ્તારોમાં પ્રવેશવા માટે પૂર્વ ઓનલાઈન પરવાનગી મેળવવી પડશે. હોટેલ સંચાલકો અને ગાઈડ્સને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ મંજૂરી વગર કોઈપણ વિદેશીને સીમાવર્તી વિસ્તારોમાં ન લઈ જાય.
ઉલ્લેખનીય છે કે, જેસલમેર જિલ્લો પાકિસ્તાન સાથે ૪૬૪ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જે રાજસ્થાનની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, તેથી અહીં સતર્કતા રાખવી અનિવાર્ય બની છે.

(8:21 PM IST)