હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વ્હાઇટ હાઉસ સુરક્ષામાં ગાબડું: બેરિકેડ તોડીને વાન ઘૂસી ગઈ, ટ્રમ્પની હાજરી વચ્ચે સુરક્ષા એજન્સીઓ એક્શનમાં!
વોશિંગ્ટન ડીસીમાં ભારે દોડધામ; મેટ્રોપોલિટન પોલીસ અને સિક્રેટ સર્વિસે ડ્રાઈવરની કરી ધરપકડ, ઈરાન સાથેના તણાવ વચ્ચે હાઈ-એલર્ટ પર રહેલા અમેરિકામાં સુરક્ષા પ્રણાલી પર ઉઠ્યા સવાલો

વોશિંગ્ટન : બુધવારની વહેલી સવાર વોશિંગ્ટન ડીસી માટે સામાન્ય નહોતી. સવારે અંદાજે 6:30 વાગ્યે, જ્યારે આખું શહેર કામ પર જવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે એક વાન વ્હાઇટ હાઉસની અત્યંત સુરક્ષિત ગણાતી બેરિકેડ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. સદનસીબે, યુએસ સિક્રેટ સર્વિસના યુનિફોર્મધારી અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને ડ્રાઈવરને દબોચી લીધો હતો. આ ઘટના એ સમયે બની જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા. જોકે, આ અકસ્માત હતો કે ઈરાદાપૂર્વકનો હુમલો, તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા વાનની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ વિસ્ફોટક મળી આવ્યા નથી.
આ સુરક્ષા ભંગને કારણે લાફાયેટ પાર્ક અને તેની આસપાસના મહત્વના રસ્તાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સવારના પીક અવર્સમાં ટ્રાફિકનો મોટો જામ જોવા મળ્યો હતો. સિક્રેટ સર્વિસે હજુ સુધી ડ્રાઈવરની ઓળખ જાહેર કરી નથી, પરંતુ તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન સાથેના વધતા તણાવને કારણે સમગ્ર અમેરિકામાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વ્હાઇટ હાઉસના દરવાજે બનેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને આ અગાઉ પણ અનેક વખત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગયા મહિને જ ફ્લોરિડામાં ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર એક સશસ્ત્ર વ્યક્તિને પોલીસે ઠાર કર્યો હતો. આજની ઘટનામાં પણ સદ્ભાગ્યે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ જે રીતે વાન સુરક્ષા બેરિકેડ તોડવામાં સફળ રહી, તે બાબતે હવે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે ઓહિયો અને કેન્ટુકીના પ્રવાસે જવાના છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
