News of Wednesday, 11th March 2026
ઈરાનનો પાકિસ્તાનને સણસણતો ઈશારો: સાઉદી અરબના પક્ષમાં નિવેદનબાજી બદલ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની ચેતવણી, ‘વૈશ્વિક સુરક્ષા જોખમમાં મૂકાશે’
પાકિસ્તાન અને સાઉદી વચ્ચેનો ‘NATO’ જેવો સંરક્ષણ કરાર સક્રિય થતા મિડલ-ઈસ્ટમાં ખળભળાટ: શહબાઝ શરીફના સમર્થન બાદ ઈરાને પાકિસ્તાન પર સાધ્યું નિશાન

રાજકોટ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના ભડકા વચ્ચે હવે પાકિસ્તાન માટે 'ઈધર કૂવો ને ઉધર ખાઈ' જેવી સ્થિતિ સર્જાઈ છે. સાઉદી અરબના ખુલ્લા સમર્થનમાં આવેલા પાકિસ્તાનને પાડોશી દેશ ઈરાને ગંભીર ચેતવણી આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે ફોન પર વાતચીત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો યુદ્ધ માટે જવાબદાર પક્ષોને રોકવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વિશ્વની શાંતિ જોખમમાં મુકાઈ શકે છે.
આ વિવાદનું મુખ્ય કારણ પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેનો તાજેતરનો સંરક્ષણ કરાર છે. આ કરાર 'નાટો' (NATO) મોડેલ પર આધારિત છે, જે મુજબ જો સાઉદી પર હુમલો થાય તો તે પાકિસ્તાન પર થયેલો હુમલો ગણાશે અને પાકિસ્તાને સૈન્ય મદદ કરવી પડશે. તાજેતરમાં પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીરે રિયાધની મુલાકાત લીધી અને સાઉદીના રક્ષામંત્રી સાથે મુલાકાત કરી ત્યારબાદ આ કરારને 'એક્ટિવ' કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને શહબાઝ શરીફના સલાહકારોએ બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે પાકિસ્તાન સાઉદી અરબની પડખે ઉભું રહેશે. આ નિવેદન બાદ ઈરાન લાલઘૂમ થયું છે. ઈરાને ચેતવણી આપી છે કે યુદ્ધના પરિણામો અને તેના પાછળના જવાબદારોને નજરઅંદાજ કરવાથી સમગ્ર ક્ષેત્રની સ્થિરતા જોખમમાં મુકાશે.
મિડલ-ઈસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. સાઉદી અરામકો જેવી મોટી તેલ કંપનીઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલાની ઘટનાઓ બાદ પાકિસ્તાનનું સાઉદી તરફી વલણ ઈરાનને ખૂંચી રહ્યું છે. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકો પણ ચિંતિત છે કે જો પાકિસ્તાન આ મોટા સંઘર્ષમાં સીધી રીતે જોડાશે તો તેની આર્થિક પ્રગતિ અને સ્થાનિક સુરક્ષા પર તેની વિપરીત અસર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન પોતાના બે મહત્વના મુસ્લિમ પાડોશી અને મિત્ર દેશો વચ્ચે સંતુલન જાળવવામાં કેવી રીતે સફળ રહે છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
