અયોધ્યામાં ગેસ કટોકટી વચ્ચે પણ ‘રામ રસોઈ’ અવિરત: યુદ્ધને કારણે LPG ની તંગી સર્જાતા મંદિરે શોધ્યો અનોખો વિકલ્પ, શ્રદ્ધાળુઓ માટે ભોજન બંધ નહીં થાય
ઈરાન યુદ્ધની અસર અયોધ્યાના રસોડે: હનુમાનગઢીના પ્રસાદ પર પણ સંકટ, પરંતુ અમાવા મંદિર પ્રશાસને ઈલેક્ટ્રિક કૂકર અને કોલસાના સહારે ભંડારો ચાલુ રાખવાનો લીધો મક્કમ નિર્ણય

અયોધ્યા, તા.૧૧: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની અસર હવે ભારતની ધાર્મિક નગરી અયોધ્યા સુધી પહોંચી છે. વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના સપ્લાયમાં આવેલા અવરોધને કારણે અયોધ્યામાં પણ LPG ગેસની ભારે કિલ્લત સર્જાઈ છે. આ કટોકટીની સીધી અસર અયોધ્યાની પ્રખ્યાત 'રામ રસોઈ' અને હનુમાનગઢીના પ્રસાદ નિર્માણ પર પડી છે. જોકે, શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા અને સેવાના સંકલ્પ સામે આ અડચણો ટૂંકી પડી રહી છે.
અયોધ્યામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન કરાવતી 'રામ રસોઈ' પર ગેસના અભાવે જોખમ ઉભું થયું હતું. પરંતુ અમાવા મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને ભૂખ્યા ન રહેવા દેવાનો નિર્ણય લીધો છે. ગેસ સિલિન્ડર ન મળતા હવે રસોઈ બનાવવા માટે મોટા પાયે ઈલેક્ટ્રિક કૂકર અને પરંપરાગત કોલસાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે ભલે મુશ્કેલી પડે, પણ રામલલાના દરબારમાં આવતા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા અટકશે નહીં.
માત્ર અયોધ્યા જ નહીં, પરંતુ ગેસ કટોકટીની આંચ કાશી વિશ્વનાથ મંદિર સુધી પણ પહોંચી છે. ગેસ બચાવવા માટે કાશીમાં પ્રસાદના મેનૂમાંથી શાક અને સેવઈ જેવી વસ્તુઓ અસ્થાયી ધોરણે હટાવી દેવામાં આવી છે. અયોધ્યાના હનુમાનગઢીમાં પણ લાડુ અને અન્ય પ્રસાદ બનાવવાની પ્રક્રિયા ધીમી પડી છે. વેપારીઓ અને મંદિર ટ્રસ્ટ હવે ગેસના બદલે લાકડા અને કોલસાના ભઠ્ઠા તરફ વળી રહ્યા છે જેથી વર્ષો જૂની પરંપરા જળવાઈ રહે.
ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી અને યુદ્ધના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ૨૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની આશંકા છે. આ સ્થિતિમાં ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જોકે, ભારત આવતા ગેસના મોટા જથ્થાના સમાચાર પણ મળી રહ્યા છે, જે ભવિષ્યમાં આ રાહત આપી શકે છે. ત્યાં સુધી અયોધ્યાના મંદિરોએ આધુનિક અને પરંપરાગત રીતો અપનાવીને સેવાનો યજ્ઞ ચાલુ રાખ્યો છે.
રામલલાની નગરીમાં શ્રદ્ધાનો આ દીવો ગેસની તંગી વચ્ચે પણ ઝળહળતો રહેશે તેવો વિશ્વાસ મંદિરના પૂજારીઓ અને પ્રશાસને વ્યક્ત કર્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
