<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

બ્રેસ્‍ટફીડિંગ કરતી બાળકી મમ્‍મી સાથે રહે એ જ હિતાવહઃ બોમ્‍બે હાઈકોર્ટ

પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકીને એક વર્ષની બાળકીને પોતાની પાસે રાખનારા પતિને ઠપકાર

મુંબઈ તા.૧૨: બ્રેસ્‍ટફીડિંગ કરતી બાળકી તેની મમ્‍મી સાથે રહે એ જ હિતાવહ હોવાથી એક કેસમાં બોમ્‍બે હાઈ કોર્ટે એક વર્ષની બાળકીની કસ્‍ટડી તેની મમ્‍મીને સોંપવાનો આદેશ આપ્‍યો હતો. બળજબરીપૂર્વક મહિલાઓને ઘરમાંથી કાઢી મૂકીને બાળકને પોતાની પાસે રાખી લેતા કિસ્‍સાઓમાં હાઈ કોર્ટે એક સૂચક ચુકાદો આપ્‍યો હતો.

કેસની વિગત મુજબ એક મહિલા પર સાસરિયાં તરફથી અત્‍યાચાર થયા બાદ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તેની નણંદે એક વર્ષની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. ન્‍યાયાધીશ એસ. વી. કોટવાલ અને સંદેશ પાટીલની બેન્‍ચે મહિલાએ દાખલ કરેલી પુત્રીની કસ્‍ટડી માગતી હેબિયસ કોર્પસ (વ્‍યક્‍તિને રજૂ કરવાની) અરજીની સુનાવણી કરી હતી.

પતિએ અરજીનો વિરોધ કરતાં દાવો કર્યો કે તેની પત્‍નીએ ઘર જાતે છોડી દીધું છે અને તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો છે. પત્‍ની કમાતી નથી અને તે કમાતો હોવાથી બાળકીની વધુ સારી કાળજી રાખી શકે છે એવી દલીલ પણ તેણે કરી હતી.

જોકે હાઈ કોર્ટે નોંધ્‍યું હતું કે તે કામ પર જતો રહે તો બાળકીનું ધ્‍યાન કેવી રીતે રાખી શકશે? બાળકી હજી બ્રેસ્‍ટફીડિંગ કરતી હોવાથી તેને મમ્‍મીની જરૂર વધુ છે એમ નોંધીને બેન્‍ચે મુંબઈની વિક્રોલી પોલીસને બાળકીની કસ્‍ટડી પપ્‍પા પાસેથી લઈને મમ્‍મીને સોંપવાનો નિર્દેશ આપ્‍યો છે. 

 

(1:47 PM IST)