News of Thursday, 12th March 2026
મકાન ખરીદનારા સાથે ઠગાઈના કેસમાં ધીમી તપાસથી લોકોની વેદનામાં વધારો
લોનની રકમ સીધી બિલ્ડરના ખાતામાં જમા કરી દીધા પછી પઝેશન ના મળ્યું હોવા છતાં લોકોને ઈએમઆઈ ભરવા ફરજ પડાય છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા.૧૨: બિલ્ડર્સ અને બેન્ક્સ વચ્ચેની સાંઠગાંઠને સુપ્રીમ કોર્ટે અત્યંત અપવિત્ર ગણાવી હતી અને તેના કારણે મકાન ખરીદનારાઓને પડી રહેલી હાલાકીની ગંભીર નોંધ લીધી હતી. દિલ્હી-એનસીઆર તથા દેશના અન્ય ભાગોમાં મકાન ખરીદનારાઓ સાથે છેતરપિડી આચરવાના સંખ્યાબંધ કિસ્સાઓમાં સીબીઆઈની તપાસ નીતિની આકરી ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે ધીમી તપાસથી મકાન ખરીદનારાઓની વેદનામાં વધારો થતો હોવાનું નોંધ્યુ હતું.
ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જાસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચ સમક્ષ સીબીઆઈ તરફથી રજૂઆત થઈ હતી કે, મકાન ખરીદનારાઓ સાથે કોઈ સ્કીમના નામે છેતરપિડી થઈ હોય તેવા કેટલાક કેસ સ્ટેટ એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની આ રજૂઆતને ફગાવી દીધી હતી અને તમામ કેસની સીબીઆઈ તપાસ હાથ ધરવા તથા પ્રાથમિક તપાસના આવા કેસોને રેગ્યુલર કેસમાં બદલવા નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટને બેન્ચે નોંધ્યુ હતું કે, અમર્યાદ સમયગાળા સુધી તપાસને લંબાવવાથી કોઈ નિષ્કર્ષ આવતો નથી. વિલંબના કારણે મકાન ખરીદનારાઓની વેદનામાં જ વધારો થવાનો છે.
અગાઉ આ લોકો બિલ્ડર અને ડેવલપરની છેતરપિડીનો ભોગ બનેલા છે અને આ છેતરપિંડીમાં નાણાકીય સંસ્થાઓ તથા બેન્ક્સ પણ સંડોવાયેલી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રસ્તુત કેસમાં દિલ્હી એનસીઆરમાં ખાસ કરીન નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામ ખાતે આવેલા હાઉસિગ પ્રોજેક્ટ્સમાં લોકોએ ફલેટ બૂક કરાવ્યા હતા. ફલેટનું પઝેશન નહીં મળવા છતાં બેન્કોએ મકાન ખરીદનારા લોકોને લોનના હપ્તા ભરવા ફરજ પાડી હતી.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
