<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પાંચ વર્ષમાં ગુજરાતમાં હાઇવે પર રૂા. ૨૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલવામાં આવ્‍યો

રાજ્‍યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ હાઇવે મંત્રીનો જવાબ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ર :.. કેન્‍દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. ૨૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલ્‍યો છે. કેન્‍દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. ૪૭,૨૩૬ કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્‍યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્‍દ્રીય રોડ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ ૧૧ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજ્‍યસભામાં આ માહિતી આપી હતી.

NH-૪૮ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્‍ટ્રેચ વિશે માહિતી આપતા, મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સિક્‍સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્‍સ બેઝ્‍ડ રોડ મેન્‍ટેનન્‍સ કોન્‍ટ્રાક્‍ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. ૧૬ પુલ અને ફલાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્‍યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. મંત્રીશ્રીના લેખિત જવાબમાં માહિતી અપાઈ હતી કે, NH-૪૮ના ભરૂચ-વડોદરા સ્‍ટ્રેચનું સિક્‍સ-લેનિંગ કામ વર્ષ ૨૦૧૧માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે PBMC મોડ પર જાળવણી હેઠળ છે. અહીં ૦૭ પુલ અને ફલાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્‍બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્‍યારે, વડોદરા-અમદાવાદ વચ્‍ચેના સિક્‍સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે BOT હેઠળ છે. શામળાજી-મોટા ચિલોડા વચ્‍ચેના સિક્‍સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે.

શ્રી ગડકરીએ એ પણ માહિતી આપી હતી કે NH-૨૭ના રાજકોટ-જેતપુર સેક્‍શનનું સિક્‍સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્‍યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્‍ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.

તદુપરાંત ,દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે જે માર્ચ-૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે, તેવી માહિતી આપવામાં આવી હતી.

(1:33 PM IST)