<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

મંગલ-મંગલઃ ભારત માટે હોર્મુજ સ્‍ટ્રેટ ઓપન

હોર્મુજની ખાડીમાંથી પસાર થઈ શકશે ભારતીય જહાજોઃ ઈરાને આપી મંજુરી : વિદેશમંત્રી જયશંકરે એક ફોન કર્યો ને ‘બાત બન ગઈ': ૧ જહાજ મુંબઈ પહોંચી પણ ગયું

 

નવી દિલ્‍હી, તા.૧૨: પヘમિ એશિયામાં ભભૂકી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધી વચ્‍ચે ભારતે એક મોટી રાજદ્વારી સિદ્ધિ હાંસલ કરી છે. જ્‍યાં અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલના જહાજો માટે આ માર્ગ બંધ છે, ત્‍યાં ઈરાને ભારત સાથેની તેની વર્ષો જૂની મિત્રતાને માન આપી ભારતીય તેલ ટેન્‍કરોને પસાર થવાની વિશેષ મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્‍બાસ અરાઘચી વચ્‍ચેની ઉચ્‍ચ સ્‍તરીય ટેલિફોનિક વાતચીત બાદ આ રસ્‍તો સાફ થયો છે. ઈરાને સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે ભારતીય જહાજો ગર્વથી તિરંગો લહેરાવીને આગળ વધી શકે છે, તેમને કોઈ આંચ નહીં આવે.

આ છૂટ ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્‍યંત મહત્‍વની સાબિત થશે, કારણ કે હોર્મુઝનો આ સાંકડો દરિયાઈ માર્ગ વિશ્વના ૨૦% ક્રૂડ ઓઈલ અને LNG સપ્‍લાયનું કેન્‍દ્ર છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ઈરાને માત્ર ચીન અને રશિયા જેવા તેના વ્‍યૂહાત્‍મક ભાગીદારોને જ આ છૂટ આપી હતી, પરંતુ ભારતના સતત વધતા વૈશ્વિક પ્રભાવ અને તટસ્‍થ વલણને કારણે હવે ભારત પણ આ પ્રભાવશાળી યાદીમાં સામેલ થયું છે. આ સફળતાને કારણે ભારતીય ટેન્‍કરો પુષ્‍પક અને પરિમલ કોઈ પણ અવરોધ વિના સ્‍ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે, જેનાથી દેશમાં ગેસ અને ઈંધણની સંભવિત અછતનું સંકટ ટળ્‍યું છે.

રાજદ્વારી વાટાઘાટોની સાથે ભારતે દરિયામાં પોતાની સૈન્‍ય તાકાત પણ પ્રદર્શિત કરી છે. ભારતીય નૌકાદળે ઓપરેશન સંકલ્‍પ હેઠળ અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્‍ટ્રોયર્સ અને ફ્રિગેટ્‍સ તૈનાત કર્યા છે, જે ભારતીય ખલાસીઓ અને જહાજોની સુરક્ષાનું કવચ બની રહ્યા છે. એસ. જયશંકરે આ મામલે રશિયા અને ફ્રાન્‍સના વિદેશ મંત્રીઓ સાથે પણ ચર્ચા કરી વૈશ્વિક સ્‍થિરતા માટે દબાણ બનાવ્‍યું છે. આમ, એક તરફ યુદ્ધનો માહોલ છે, તો બીજી તરફ ભારત પોતાની કુનેહથી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની શક્‍તિનો પરચો આપી રહ્યું છે.

(2:47 PM IST)