News of Thursday, 12th March 2026
અફવા ફેલાવતા લોકો પર નજર રાખોઃ પીએમ મોદીની મંત્રીઓને કડક સૂચના
દેશમાં LPGની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં

નવી દિલ્હી, તા.૧૨: વૈશ્વિક સ્તરે ઈરાન કટોકટીએ જ્યારે માથું ઊંચકયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મંત્રીઓને અત્યંત સતર્ક રહેવાની સૂચના આપી છે. ગુરુવારે મળેલી મહત્વની બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં જનતા વચ્ચે ગભરાટ ફેલાવતા તત્વો પર કડક નજર રાખવી અનિવાર્ય છે. તેમણે મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહીને વિપક્ષના નકારાત્મક પ્રચારનો જડબાતોડ જવાબ આપવા અને જનતા સુધી સાચી માહિતી પહોંચાડવા જણાવ્યું છે. પીએમએ વિશ્વાસ અપાવ્યો કે ભારતની તૈયારીઓ અન્ય પડોશી દેશોની સરખામણીએ ઘણી મજબૂત છે, તેથી નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.
બીજી તરફ, દક્ષિણ ભારતમાં પણ આ સંકટની અસર વર્તાઈ રહી છે. તમિલનાડુમાં એનડીએની રેલી દરમિયાન પીએમ મોદીએ હોટેલ સેક્ટર અને સામાન્ય ગળહિણીઓને પડતી હાલાકીનો ઉલ્લેખ કરી આશ્વાસન આપ્યું હતું કે ગેસ કટોકટીનો ઉકેલ લાવવા માટે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની અછતને કારણે ખોરવાયેલા અર્થતંત્રને પાટા પર લાવવા માટે તેમણે લોકોને માત્ર ચકાસાયેલી અને અધિકળત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી. સરકારનો મુખ્ય હેતુ સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરી કાળાબજાર અને અફવાઓને રોકવાનો છે.
ભારત માટે સૌથી મોટી રાહતની ખબર રાજદ્વારી મોરચેથી આવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરની ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથેની ઉચ્ચ સ્તરીય મંત્રણા રંગ લાવી છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વના તેલ અને ગેસના વેપાર માટે જીવનરેખા ગણાય છે, ત્યાં ઈરાને ભારતીય ધ્વજવાળા ટેન્કરોને પસાર થવાની વિશેષ પરવાનગી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુષ્પક અને પરિમલ નામના બે ભારતીય ટેન્કર સુરક્ષિત રીતે આ માર્ગ પરથી આગળ વધી રહ્યા છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં ભારતના બંદરો પર ગેસનો જથ્થો પહોંચતા જ સ્થાનિક બજારમાં સિલિન્ડરની કતારો ઘટવા લાગશે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
