News of Thursday, 12th March 2026
અમેરિકામાં ભારતીય મૂળના સવાણી ભાઈઓ વિઝા અને મેડિકેડ મહાકૌભાંડમાં દોષિત : ૪૦૦ વર્ષથી વધુની જેલની સજાની શક્યતા અને કરોડોનો દંડ!
H-1B વિઝા કૌભાંડ, $૩૦ મિલિયનની હેલ્થકેર છેતરપિંડી અને મની લોન્ડરિંગના નેટવર્કનો પર્દાફાશ : મનુષ્યો પર પ્રાણીઓના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વાપરવા જેવા ગંભીર આરોપો સાબિત : FBI ડાયરેક્ટર કાશ પટેલ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર કર્યા હતા વાયરલ

ફિલાડેલ્ફિયા: અમેરિકાના પેન્સિલવેનિયામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના બે ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટી-સ્ટેટ રેકેટિયરિંગ કોન્સ્પિરેસી (RICO) અને વિવિધ પ્રકારની છેતરપિંડીના ગંભીર કેસોમાં ફેડરલ જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. ‘સવાણી ગ્રુપ’ના ઓઠા હેઠળ આચરાયેલા આ આર્થિક અને તબીબી કૌભાંડો દ્વારા કરોડો ડોલરની સંપત્તિ ભેગી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ભાઈઓ ૨૦૨૩થી એફબીઆઈ (FBI) ના રડાર પર હોવા છતાં સોશિયલ મીડિયા પર વર્તમાન એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલ સાથેના ફોટા મૂકીને બડાસો હાંકતા હતા.
કૌભાંડની ભયાનકતા - મેડિકેડ અને વિઝામાં છેતરપિંડી:
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સવાણી ગ્રુપે મેડિકેડ (Medicaid) પ્રોગ્રામ સાથે ૩૦ મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી કરી હતી. જ્યારે સરકારે તેમની ડેન્ટલ પ્રેક્ટિસના કોન્ટ્રાક્ટ રદ કર્યા, ત્યારે તેમણે અન્ય વ્યક્તિઓના નામે નવી કંપનીઓ ખોલીને છેતરપિંડી ચાલુ રાખી હતી. વધુમાં, H-1B વિઝા માટે ખોટી અરજીઓ કરી ભારતીય કામદારોને અમેરિકા લાવી તેમની પાસેથી ગેરકાયદે ફી વસૂલવાનું અને પગારમાં છેતરપિંડી કરવાનું રેકેટ પણ ચલાવતા હતા.
માનવીય સ્વાસ્થ્ય સાથે ચેડાં અને ટેક્સ ચોરી:
આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે તેઓ દર્દીઓની જાણ બહાર તેમના દાંતમાં એવા ઇમ્પ્લાન્ટ્સ બેસાડતા હતા જે મનુષ્યો માટે નહીં પણ પ્રાણીઓ માટે વપરાતા હોય (FDCA conspiracy). આ ઉપરાંત, ૧.૬ મિલિયન ડોલરની પોતાની આવક અને કર્મચારીઓની ૧.૧ મિલિયન ડોલરની આવક પર ટેક્સ ન ભરીને સરકારને ચૂનો લગાવ્યો હતો. વ્યાવસાયિક ખર્ચના નામે તેઓ પોતાના ઘરની લોન, સ્વિમિંગ પૂલની જાળવણી અને બાળકોની કોલેજ ફી પણ કંપનીના ખાતામાંથી ચૂકવતા હતા.
સજાની જોગવાઈ અને મની લોન્ડરિંગ:
મની લોન્ડરિંગના જટિલ નેટવર્ક દ્વારા ગેરકાયદે નાણાંને સગેવગે કરવાના આ કેસમાં ભાસ્કર સવાણીને ૪૨૦ વર્ષ અને અરુણ સવાણીને ૪૧૫ વર્ષની મહત્તમ જેલની સજા થઈ શકે છે. તેમની સહયોગી એલેક્ઝાન્ડ્રા રાડોમિયાકને પણ ૪૦ વર્ષની સજા અને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ દોષિતોને સજાનું એલાન જુલાઈ ૨૦૨૬માં કરવામાં આવશે.
મધ્ય પૂર્વમાં યુદ્ધના સમાચાર વચ્ચે મોટો ખુલાસો:
જ્યારે એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ ઉગ્ર બન્યું છે અને દુબઈમાં વિસ્ફોટો સંભળાયા છે, ત્યારે અમેરિકામાં ભારતીય મૂળના વ્યવસાયિકો દ્વારા આચરાયેલા આ મહાકૌભાંડે વૈશ્વિક સ્તરે ભારતીય સમુદાયની છબી પર મોટા સવાલો ઉભા કર્યા છે. ઈરાને હાલમાં જ અમેરિકન ટેક કંપનીઓ ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટને ચેતવણી આપી છે, તેવા તણાવપૂર્ણ માહોલ વચ્ચે એફબીઆઈ અને ન્યાય વિભાગે સવાણી બ્રધર્સ સામે કડક કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
