<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાવાની જરૂર નથી: લોકસભામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની જાહેરાત

વેસ્ટ એશિયા સંકટ વચ્ચે પણ ભારતની ક્રૂડ ઓઈલ સપ્લાય સુરક્ષિત; ૪૦ દેશો પાસેથી તેલની ખરીદી અને LPG ઉત્પાદનમાં ૨૮%નો વધારો કરી લાંબા ગાળાની સ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ

નવી દિલ્હી: ૧૨ માર્ચ, ૨૦૨૬ : દેશમાં એલપીજી (LPG) સંકટ અને ઈંધણની અછત અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દેશવાસીઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ભારતમાં ગેસ સિલિન્ડર, તેલ અને પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં ભારતની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ છતાં સપ્લાય લાઇન સુરક્ષિત
કેન્દ્રીય મંત્રીએ વેસ્ટ એશિયા સંકટ પર પ્રકાશ પાડતા કહ્યું કે ઉર્જાના ઇતિહાસમાં દુનિયાએ આવું ક્યારેય જોયું નથી, જ્યાં ઇતિહાસમાં પ્રથમ વખત હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપારી શિપિંગ માટે બંધ કરી દેવામાં આવી છે. જોકે, આ સંઘર્ષમાં ભારતની કોઈ ભૂમિકા નથી, પરંતુ તેનાથી ઉદ્ભવતા પરિણામોનો સામનો કરવા ભારત તૈયાર છે. હાલમાં ભારત વિશ્વના ૪૦ દેશો પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યું છે, જેના કારણે સપ્લાય ચેઈન સુરક્ષિત છે.
LPG ઉત્પાદનમાં ૨૮ ટકાનો વધારો
ઘરગથ્થુ ગેસની અછત ન સર્જાય તે માટે છેલ્લા પાંચ દિવસમાં રિફાઇનરીઓને સૂચના આપીને એલપીજીનું ઉત્પાદન ૨૮ ટકા વધારી દેવામાં આવ્યું છે. હરદીપ સિંહ પુરીએ ભારપૂર્વક જણાવ્યું કે ૩૩ કરોડ પરિવારો, ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદોની રસોઈમાં ગેસની કોઈ કમી ન આવે તે મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘરેલું સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત છે અને ડિલિવરી સાયકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વૈકલ્પિક માર્ગો અને નવા સ્ત્રોતો દ્વારા ખરીદી
સરકારે ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવા માટેના સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કર્યું છે. હવે યુનાઈટેડ સ્ટેટ્સ, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશોમાંથી મોટા એલએનજી (LNG) કાર્ગો અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા દરરોજ ભારત આવી રહ્યા છે.
વીજ ઉત્પાદન અને ઉદ્યોગો માટે પૂરતો જથ્થો
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત પાસે ગેસ ઉત્પાદન અને પુરવઠાના એટલા પૂરતા ઇન્તજામ છે કે જો પશ્ચિમ એશિયામાં યુદ્ધ લાંબો સમય ચાલે તો પણ દેશમાં સ્થિતિ સામાન્ય રહેશે. દરેક ઘર અને ઉદ્યોગો માટે વીજળીનું ઉત્પાદન સંપૂર્ણપણે સુરક્ષિત છે, જે આર્થિક ગતિવિધિઓને જાળવી રાખવામાં મદદરૂપ થશે.

(5:36 PM IST)