હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બગસરાની પાવન ધરા પર ‘માનસ મેઘાણી’ રામકથાની રસધાર: પૂ. મોરારિબાપુએ ‘મંચન’ના વ્યભિચાર સામે ‘મંથન’ની અનિવાર્યતા પર મૂક્યો ભાર
ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિમાં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે છઠ્ઠા દિવસે શિવ-પાર્વતી સંવાદ અને દક્ષયજ્ઞનું ભાવસભર વર્ણન; મેઘાણી સાહિત્ય અને શાસ્ત્રોમાં સાંપ્રત દૃષ્ટિએ સંશોધન કરવા વ્યાસપીઠ પરથી આહ્વાન

ઈશ્વરિયા (અહેવાલ - મુકેશ પંડિત) : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ ગણાતા બગસરામાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકથા 'માનસ મેઘાણી'માં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. કથાના છઠ્ઠા દિવસે બાપુએ સાંપ્રત સમયમાં પીરસાતા સાહિત્ય અને પ્રસ્તુતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે. આ સ્થિતિમાં સમાજે ગહન 'મંથન' કરવું અનિવાર્ય બન્યું છે.
શાસ્ત્રો અને મેઘાણી સાહિત્યમાં સંશોધનની જરૂરિયાત:
'કલિ કે કબિન્હ કરઉં પરનામા...' ચોપાઈને કેન્દ્ર સ્થાને રાખીને પૂ. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી મેઘાણી સાહિત્ય અને ધાર્મિક શાસ્ત્રોના સંદર્ભમાં સાંપ્રત દૃષ્ટિએ ઊંડું સંશોધન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજને ટકોર કરતા કહ્યું કે કથા એ કશું પ્રાપ્ત કરવા માટે નથી, પરંતુ જે પ્રાપ્ત થયું છે તેને વહેંચવા માટેનું માધ્યમ છે.
દક્ષયજ્ઞ પ્રસંગ દ્વારા જીવનનો સાર:
કથા દરમિયાન શિવ-પાર્વતી સંવાદ અને દક્ષના યજ્ઞ પ્રકરણનું વર્ણન કરતા પૂ. મોરારિબાપુએ આધ્યાત્મિક બોધ આપ્યો કે ઈશ્વર ક્યારેય કોઈને પોતાનાથી વિમુખ કરતા નથી, પરંતુ મનુષ્ય પોતે જ ઈશ્વરથી દૂર થઈ જતો હોય છે. નિંદકો અંગે માર્ગદર્શન આપતા તેમણે ઉમેર્યું કે નિંદક કોઈ પણ જવાબનો અધિકારી હોતો નથી. જો તમે તમારી જગ્યાએ સાચા હો, તો કોઈને વળતો જવાબ આપવાની જરૂર નથી.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને વ્યવસ્થા:
હર્ષાબા ગોહિલ પરિવારના યજમાનપદે યોજાઈ રહેલી આ કથામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં લલિતકિશોરદાસજી બાપુ, જગજીવનદાસજી બાપુ, વિશ્વાનંદ માતાજી સહિત પિનાકીનભાઈ મેઘાણી, અભેસિંહ રાઠોડ, દિગુભા જાડેજા, નીતિનભાઈ વડગામા, અમરીશભાઈ ડેર, માયાભાઈ આહિર, પ્રણવ પંડ્યા અને સ્નેહી પરમાર જેવા મહાનુભાવોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ચીમનભાઈ વાઘેલા, ભરતભાઈ ચાંદ્રાણી અને લવલુભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
