News of Thursday, 12th March 2026
ભારતનું નવું બ્રહ્માસ્ત્ર 'અવતાર': જે હવામાં ગરુડની જેમ ઉડશે અને પાણીમાં મગરની જેમ શિકાર કરશે
બેંગલુરુના બે તેજસ્વી એન્જિનિયરોએ બનાવેલું દેશનું પહેલું ડ્રોન જે રશિયા-યુક્રેન યુદ્ધના સમીકરણો બદલી નાખનારા વિદેશી ડ્રોન્સને આપશે જોરદાર ટક્કર : ભારતીય નૌકાદળની તાકાતમાં થશે અનેકગણો વધારો

બેંગલુરુ: યુદ્ધના મેદાનમાં અત્યાર સુધી આપણે એવા ડ્રોન જોયા છે જે આકાશમાંથી દુશ્મનો પર કાળ બનીને ત્રાટકે છે, પરંતુ ભારતનું નવું 'અવતાર' ડ્રોન કંઈક અલગ જ માટીનું બનેલું છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ 'એક્વાએરએક્સ' દ્વારા વિકસિત આ ડ્રોન ભારતનું પ્રથમ ઉભયજીવી ડ્રોન છે, જેની ક્ષમતા જોઈને વિશ્વના સંરક્ષણ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે. આ ડ્રોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે હવામાં ઉડતા-ઉડતા અચાનક સમુદ્રમાં ડૂબકી લગાવી શકે છે અને પાણીની અંદર સબમરીનની જેમ ઓપરેશન પાર પાડી ફરી પાછું આકાશમાં ઉડી શકે છે. રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના સંઘર્ષમાં જે રીતે ડ્રોન ટેકનોલોજી નિર્ણાયક સાબિત થઈ રહી છે, તે જોતા 'અવતાર' ભારત માટે સુરક્ષાનું એક મજબૂત કવચ સાબિત થશે.
આ ક્રાંતિકારી ડ્રોન પાછળ ગૌતમી અને જીતેન્દ્ર કુમાર સૈની નામના બે યુવાન એન્જિનિયરોની મહેનત છે, જેમણે કોલેજ કાળના પ્રોજેક્ટને આજે દેશના ગૌરવમાં ફેરવી દીધો છે. 'અવતાર' ડ્રોન ૧૦ કિલો સુધીના અત્યાધુનિક સેન્સર અને હથિયારો સાથે ૧૪૫ કિલોમીટરની રેન્જમાં પ્રહાર કરી શકે છે. તે સતત ૫ કલાક સુધી કાર્યરત રહી શકે છે અને તેની ખાસ ડિઝાઈનને કારણે સમુદ્રના ખારા પાણીમાં પણ તેને કાટ લાગતો નથી. સંરક્ષણ મંત્રાલયના 'iDEX' પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા આ પ્રોજેક્ટમાં ભારતીય નૌકાદળે ખાસ રસ દાખવ્યો છે, કારણ કે તે સમુદ્ર કિનારાની સુરક્ષા અને પાણીની અંદર છુપાયેલી દુશ્મન ગતિવિધિઓ પર નજર રાખવા માટે પાયલોટ વગરનું સૌથી સસ્તું અને સચોટ માધ્યમ બની રહેશે.
માત્ર યુદ્ધ જ નહીં, પણ શાંતિના સમયમાં 'અવતાર' ભારતની આર્થિક પ્રગતિમાં પણ મોટો ફાળો આપશે. દરિયા કિનારે આવેલા તેલ અને ગેસના પ્લેટફોર્મનું નિરીક્ષણ કરવા માટે અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો, જે આ ડ્રોનની મદદથી ૭૦% જેટલો ઘટી જશે. આ ઉપરાંત, માછીમારી અને વિન્ડ ફાર્મની દેખરેખમાં પણ તે મદદરૂપ થશે. ઝેરોધા જેવી મોટી કંપનીઓના રોકાણથી સજ્જ આ સ્ટાર્ટઅપ આવનારા ૬ થી ૮ મહિનામાં 'અવતાર'ને સંપૂર્ણપણે ફિલ્ડમાં ઉતારવા તૈયાર છે. જ્યારે ભારત રક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે, ત્યારે 'અવતાર' જેવા સ્વદેશી ડ્રોન સાબિત કરે છે કે ભારતીય પ્રતિભા હવે હવામાં અને પાણીમાં - બંને જગ્યાએ પોતાની ધાક જમાવવા સજ્જ છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
