<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

બેંગલુરુના પબ અને બ્રુઅરીઝમાં સગીરોના પ્રવેશ પર 'નો એન્ટ્રી': વિદ્યાર્થીની આત્મહત્યા બાદ કર્ણાટક હાઈકોર્ટ લાલઘૂમ, પોલીસને આપ્યા કડક નિર્દેશ

૧૮ વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોના ID કાર્ડ તપાસવા ફરજિયાત; SSLCના વિદ્યાર્થીઓએ બીયર પીધા બાદ ડરના માર્યા જીવ ગુમાવ્યો હોવાની ઘટનાથી ન્યાયતંત્ર સ્તબ્ધ

બેંગલુરુ: સિટી ઓફ પબ્સ ગણાતા બેંગલુરુમાં સગીર વયના બાળકોમાં વધતી જતી દારૂની લત અને તાજેતરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાને પગલે કર્ણાટક હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચે બેંગલુરુ પોલીસ કમિશનરને મૌખિક આદેશ આપ્યો છે કે શહેરના તમામ પબ અને માઇક્રોબ્રુઅરીમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોના પ્રવેશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવે અને દરેક શંકાસ્પદ ગ્રાહકનું ઓળખ કાર્ડ (ID) તપાસવામાં આવે.
વિદાય સમારંભ બાદની એ પાર્ટી જે જીવલેણ બની
આ સમગ્ર મામલો ૩૧ જાન્યુઆરીના રોજ બનેલી એક દુર્ઘટના સાથે જોડાયેલો છે. SSLC (ધોરણ ૧૦) ના વિદ્યાર્થીઓના એક જૂથે તેમની શાળાના વિદાય સમારંભ (Farewell) બાદ રાજરાજેશ્વરીનગરની એક માઇક્રોબ્રુઅરીની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સગીર છોકરાઓએ ત્યાં બીયર પીધી હતી. ઘરે જઈને માતા-પિતાને ખબર પડી જશે અને તેઓ વિરોધ કરશે તેવા ડરથી, એક વિદ્યાર્થીએ પોતાના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ પાસે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવી દીધો હતો.
બચાવ પક્ષ અને પોલીસની દલીલો
કોર્ટમાં 'આરઆર નગર વાઇન્સ' ના ભાગીદાર વી. ચિટ્ટી બાબુએ પોતાની સામે નોંધાયેલી FIR રદ કરવા અરજી કરી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે બ્રુઅરીએ સગીરોને દારૂ પીરસ્યો નહોતો, પરંતુ તેઓ બહારથી લાવ્યા હતા. જોકે, સરકારી વકીલે આ દલીલને નકારી કાઢીને જણાવ્યું કે પોલીસ તપાસ હજુ ચાલુ છે અને સ્ટાફની સંડોવણીની પણ તપાસ થઈ રહી છે. હાઈકોર્ટે આ મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો છે.
શહેરભરમાં સઘન ચેકિંગના આદેશ
ન્યાયાધીશે આ બાબતને ગંભીર ગણાવતા પોલીસ કમિશનરને સ્પષ્ટ સૂચના આપી છે કે, શહેરમાં ક્યાંય પણ સગીરોને દારૂ પીરસવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે કડક ડ્રાઈવ ચલાવવામાં આવે. પબ અને બારના માલિકોએ પણ હવે તેમના પરિસરમાં 'સગીરોને પ્રવેશબંધી' ના બોર્ડ લગાવવા અને પ્રવેશદ્વાર પર જ કડક ચકાસણી કરવી પડશે.

(6:49 PM IST)