<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

સિલિગુડી કોરિડોર પાસે કેન્દ્રની નવી રણનીતિ: કેન્દ્રશાસિત પ્રદેશ નહીં પરંતુ સીમાંકનનો મોટો ખેલ

મમતા બેનર્જી સહિતના વિપક્ષો બંગાળને વિભાજિત કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ?

નવી દિલ્હી: ભારતના સૌથી સંવેદનશીલ અને પૂર્વોત્તર રાજ્યોને જોડતા ૨૨ કિલોમીટર લાંબા ભૂ-ભાગ એટલે કે સિલિગુડી કોરિડોર પાસે કેન્દ્ર સરકારે મોટી રણનીતિ ઘડી છે.

 

તાજેતરમાં ૨૫ ફેબ્રુઆરી અને ૬ માર્ચની વચ્ચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સરહદી વસ્તીના નિષ્ણાત અને ગુપ્તચર વિભાગના પૂર્વ અધિકારી આર. એન. રવિ તથા બિહારના રાજ્યપાલ તરીકે કાશ્મીરમાં ફરજ બજાવી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈનની નિમણૂક કરવામાં આવી છે. 

 

ગૃહમંત્રી અમિતભાઈ શાહની સીમાંચલ મુલાકાત અને આ નિમણૂકોથી મમતા બેનર્જી સહિતના વિપક્ષો બંગાળને વિભાજિત કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

 

આ ૩ રાજ્યો, ૧૩ જિલ્લાઓ અને ૨ આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા વિસ્તારોમાં વસ્તીવિષયક આંકડાઓમાં મોટા ફેરફારો નોંધાયા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ૫૮ લાખ મતદાતાઓના નામ રદ કર્યા છે અને ૬૦ લાખ નામોની ચકાસણી ચાલી રહી છે, જેમાં મુર્શિદાબાદ અને માલદા મુખ્ય છે, જે મમતાના ગઢ ગણાય છે. 

 

ઝારખંડના સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી ૧૯૫૧ માં ૪૪.૬૭ ટકા હતી જે ૨૦૧૧ માં ઘટીને ૨૮.૧૧ ટકા થઈ છે, જ્યારે મુસ્લિમોની વસ્તી વધીને ૨૨ થી ૨૪ ટકા થઈ છે. 

 

બિહારના કિશનગંજમાં આ વસ્તી રાજ્યની ૧૭ ટકાની સરેરાશ સામે ૬૮ ટકાએ પહોંચી છે.

 

નિષ્ણાતોના મતે, અનુચ્છેદ ૩ મુજબ આ વિસ્તારોને જોડીને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો કાયદાકીય રીતે સરળ છે પરંતુ રાજકીય રીતે અશક્ય છે. હેમંત સોરેન કે મમતા બેનર્જી ક્યારેય તેને મંજૂરી આપશે નહીં. તેથી કેન્દ્ર સરકાર ૨૦૨૬ પછીના દેશવ્યાપી સીમાંકનનો માર્ગ અપનાવી શકે છે.

 

વર્ષ ૨૦૨૩ માં આસામમાં થયેલા સીમાંકનની જેમ જ, સીમાંચલ, બંગાળના સરહદી જિલ્લાઓ અને સંથાલ પરગણામાં સુધારેલી મતદાર યાદીના આધારે નવેસરથી સીમાંકન થઈ શકે છે.

 

આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદની મંજૂરી કે વિપક્ષના વિરોધ વિના જ આખા પટ્ટામાં ચૂંટણીલક્ષી પ્રતિનિધિત્વનું સમીકરણ બદલવાનો છે. 

 

આર. એન. રવિ અને જનરલ હસનૈન જેવા અનુભવી અધિકારીઓને આ જટિલ પ્રક્રિયા દરમિયાન પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળવા અને પડદા પાછળથી સંસ્થાગત પૂર્વ તૈયારીઓ કરવા માટે જ ખાસ નિયુક્ત કરવામાં આવ્યા છે. (સ્વરાજ્યનો અહેવાલ સાભાર)

(9:52 PM IST)