News of Thursday, 12th March 2026
સમુદ્રમાં રમાઈ રહ્યો છે 'સંતાકુકડી'નો ખેલ: હોર્મુઝના રણમેદાનમાં રડારને થાપ આપી 'ગોઇંગ ડાર્ક' ટેકનોલોજી દ્વારા ભારતીય જહાજ મુંબઈ પહોંચ્યું
દુશ્મનોની નજરથી બચવા કેપ્ટન સુખાંત સિંહે AIS સિસ્ટમ બંધ કરી જહાજને કર્યું 'અદ્રશ્ય'; ૧.૩૫ લાખ ટન ક્રૂડ ઓઈલ સાથે 'શેનલોંગ સુએઝમેક્સ' સુરક્ષિત પરત ફરતા મોટી રાહત

મુંબઈ : પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની અત્યારે વિશ્વનો સૌથી ખતરનાક દરિયાઈ માર્ગ બની ગયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાથી ભારત આવી રહેલું એક તેલ ટેન્કર 'શેનલોંગ સુએઝમેક્સ' (Shenlong Suezmax) તમામ જોખમોને પાર કરીને સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચ્યું છે. આ સફળતા પાછળ 'ગોઇંગ ડાર્ક' (Going Dark) નામની એક ગુપ્ત દરિયાઈ રણનીતિનો મોટો ફાળો રહ્યો છે.
શું છે આ 'ગોઇંગ ડાર્ક' રણનીતિ?
આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, દરેક જહાજે તેની ઓળખ, સ્થાન અને ગતિની માહિતી આપતી ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) ચાલુ રાખવી પડે છે. પરંતુ જ્યારે કોઈ જહાજ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતું હોય ત્યારે તે દુશ્મન દેશના ડ્રોન કે મિસાઈલનું નિશાન ન બને તે માટે આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે છે. દરિયાઈ ભાષામાં તેને 'અંધારું થવું' અથવા 'ગોઇંગ ડાર્ક' કહેવામાં આવે છે. 'શેનલોંગ સુએઝમેક્સ'નો છેલ્લો સિગ્નલ ૮ માર્ચે હોર્મુઝમાં મળ્યો હતો, ત્યારબાદ કેપ્ટન સુખાંત સિંહ સંધુએ વ્યૂહાત્મક રીતે ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દીધી હતી, જેથી જહાજ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.
મુંબઈ માટે મોટી રાહત
મુંબઈ પોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આ જહાજ સાઉદી અરેબિયાથી ૧,૩૫,૩૩૫ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને આવ્યું છે. આ તેલ મુંબઈના માહુલ વિસ્તારમાં આવેલી રિફાઇનરીઓમાં મોકલવામાં આવશે, જે શહેર અને દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. જહાજમાં ૨૯ સભ્યોનો ક્રૂ છે, જેમાં ભારતીય, પાકિસ્તાની અને ફિલિપિનો ખલાસીઓ સામેલ છે. જોકે, આ સફર જેટલી સફળ રહી, એટલી જ દુખદ ઘટના થાઈલેન્ડના જહાજ 'મયુરી નારી' સાથે બની, જે કંડલા બંદર તરફ આવતી વખતે હુમલાનો શિકાર બન્યું હતું.
ઈરાનની નવી શક્તિ અને યુદ્ધની સ્થિતિ
બીજી તરફ, યુદ્ધના ૧૧મા દિવસે પણ ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી. ઈરાન તેના સસ્તા પણ ઘાતક 'શાહેદ ૧૩૬' ડ્રોન દ્વારા અમેરિકન ઠેકાણાઓ પર સચોટ હુમલા કરી રહ્યું છે. માત્ર ૩૫,૦૦૦ ડોલરની કિંમતના ડ્રોન વડે ઈરાન અબજો ડોલરના અમેરિકી સંસાધનોને નુકસાન પહોંચાડી રહ્યું છે. ભારત સરકારે ઈરાની વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરીને ભારતીય જહાજો માટે પરવાનગી મેળવી હોવાના અહેવાલો છે, પરંતુ યુદ્ધની ગંભીરતા જોતા 'શેનલોંગ સુએઝમેક્સ' જેવી સાહસિક સફર જ અત્યારે તેલ પુરવઠો જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો જણાય છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
