<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

નોઇડામાં ગેસ સંકટની સીધી અસર હવે બાળકોના ભાણા પર: પ્રખ્યાત શાળામાં LPGની તીવ્ર અછત, સોમવારથી કેન્ટીન બંધ થવાના ભયે વાલીઓમાં ફફડાટ

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે કોમર્શિયલ સિલિન્ડરોનો પુરવઠો ખોરવાયો; શાળા પ્રશાસને ઇમેઇલ મોકલી વાલીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરી અપીલ, કાળાબજારિયાઓ સામે તંત્ર લાલઘૂમ

નોઇડા : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની માઠી અસર હવે દિલ્હી-NCRના રસોડા સુધી પહોંચી છે. નોઇડાની એક નામાંકિત શાળામાં એલપીજી (LPG) કટોકટી એટલી ઘેરી બની છે કે શાળા સંચાલકોએ વાલીઓને ઇમેઇલ મોકલીને ચેતવણી આપવી પડી છે. જો આગામી બે દિવસમાં ગેસનો નવો પુરવઠો નહીં મળે, તો સોમવાર (16 માર્ચ) થી હજારો બાળકોને શાળામાંથી મળતું લંચ અને નાસ્તો બંધ થઈ શકે છે.
શાળાનો વાલીઓને ઇમેઇલ: "તૈયારી રાખજો"
શાળા પ્રશાસને મોકલેલા સત્તાવાર ઇમેઇલ મુજબ, તેમના કેટરર પાસે હવે ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરોનો માત્ર બે દિવસનો સ્ટોક બચ્યો છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા નવા સિલિન્ડરો મળી રહ્યા નથી. શાળાએ વાલીઓને વિનંતી કરી છે કે તેઓ સોમવારથી બાળકો માટે ઘરેથી જ નાસ્તો અને ભોજન મોકલે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી રાખે. આ સમાચાર મળતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હોટલ-રેસ્ટોરન્ટના રસોડા પણ ઠપ્પ
માત્ર શાળાઓ જ નહીં, પણ નોઇડાની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં પણ હાહાકાર મચી ગયો છે. ગેસની અછતને કારણે ઘણા એકમોએ તેમના મેનૂમાં કાપ મૂક્યો છે અથવા કામચલાઉ ધોરણે રસોડા બંધ કરી દીધા છે. સ્થાનિક રહેવાસીઓમાં પણ આ પરિસ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં પણ સિલિન્ડરોની ઉપલબ્ધતા અનિયમિત બની હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
તંત્ર એક્શન મોડમાં: સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી
પરિસ્થિતિની ગંભીરતા જોતા ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમે તાકીદની બેઠક બોલાવી હતી. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી કે કાળાબજાર કરનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. વહીવટીતંત્ર સતત ગેસ એજન્સીઓ સાથે સંપર્કમાં છે જેથી પુરવઠો વહેલી તકે સામાન્ય બનાવી શકાય. જોકે, પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો હજુ ઘેરા હોવાથી આ સંકટ ક્યારે ટળશે તે કહેવું મુશ્કેલ છે.

(10:04 PM IST)