<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પાકિસ્તાનમાં અમેરિકાનો મોટો રણનીતિક ફેરફાર: પેશાવરમાં દાયકાઓ જૂનું કોન્સ્યુલેટ કાયમી ધોરણે થશે બંધ, ખર્ચમાં કાપ મૂકવા ટ્રમ્પ વહીવટીતંત્રનો આદેશ

૨૦૦૧ના અફઘાન યુદ્ધનું મુખ્ય લોજિસ્ટિક્સ હબ હવે ઈતિહાસ બનશે; વાર્ષિક ૭.૫ મિલિયન ડોલરની બચતનો અંદાજ, ઈરાન યુદ્ધ વચ્ચે સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય?

વોશિંગ્ટન : અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનના પેશાવરમાં સ્થિત પોતાના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ) ને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૦૧માં અફઘાનિસ્તાન પરના યુએસ આક્રમણ સમયે પેશાવરનું આ મિશન અમેરિકા માટે મુખ્ય લોજિસ્ટિક્સ અને ઇન્ટેલિજન્સ હબ તરીકે કાર્યરત હતું. જોકે, બદલાતા વૈશ્વિક સમીકરણો અને આર્થિક નીતિઓને કારણે હવે તેને હંમેશા માટે તાળા મારી દેવામાં આવશે.
આર્થિક બચત અને વહીવટી કારણો
અમેરિકી મંત્રાલય દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલી માહિતી મુજબ, પેશાવર કોન્સ્યુલેટ બંધ કરવાથી અમેરિકાને વાર્ષિક આશરે ૭.૫ મિલિયન યુએસ ડોલરની સીધી બચત થશે. વહીવટીતંત્રનું માનવું છે કે આ પગલાથી પાકિસ્તાનમાં અમેરિકાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની ક્ષમતા પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. નોંધનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ફેડરલ એજન્સીઓના ખર્ચમાં કાપ મૂકવાની જે યોજના શરૂ કરવામાં આવી હતી, આ નિર્ણય તેનો જ એક ભાગ છે.
ઈરાન યુદ્ધ અને સુરક્ષાના પડકારો
જોકે સત્તાવાર રીતે તેને આર્થિક કારણ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ વર્તમાનમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધને કારણે પણ સુરક્ષાની સ્થિતિ ગંભીર બની છે. પાકિસ્તાનના પેશાવર અને કરાચી જેવા શહેરોમાં અમેરિકા વિરોધી પ્રદર્શનો તેજ બન્યા છે, જેના કારણે કોન્સ્યુલેટની કામગીરી અસ્થાયી રૂપે અગાઉ પણ સ્થગિત કરવી પડી હતી. કોન્સ્યુલેટ બંધ કરવાની પ્રક્રિયામાં અંદાજે ૩ મિલિયન ડોલરનો ખર્ચ થશે, અને ત્યાં કાર્યરત ૧૮ અમેરિકી રાજદ્વારીઓ તેમજ ૮૯ સ્થાનિક કર્મચારીઓને અન્યત્ર ખસેડવામાં આવશે અથવા છૂટા કરવામાં આવશે.
સરહદી સુરક્ષા પર અસર?
પેશાવર એ અફઘાન-પાક સરહદની સૌથી નજીકનું અમેરિકી રાજદ્વારી મિશન હતું. બે દાયકાથી વધુ સમય સુધી દક્ષિણ એશિયામાં આતંકવાદ વિરોધી અભિયાન અને સરહદી દેખરેખ માટે તે મુખ્ય મથક રહ્યું છે. હવે આ મિશન બંધ થવાથી આ વિસ્તારમાં અમેરિકાની પ્રત્યક્ષ રાજદ્વારી હાજરી ઘટશે, જેને લઈને નિષ્ણાતોમાં અલગ-અલગ મત પ્રવર્તી રહ્યા છે.

(10:06 PM IST)