હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટમાં વકીલની અતરંગી માંગ: 'મેં પૂર્વ CJI ને બચાવ્યા, મને 1 કરોડ રૂપિયા અપાવો'; સર્વોચ્ચ અદાલતે કહ્યું- "સમાજસેવા તો અમૂલ્ય હોય, તેના ભાવ ન કરાય"
જાન્યુઆરી 2018ની ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ બાદ કરેલા કેસોનું વળતર માંગતા વકીલ અશોક પાંડેની અરજી ફગાવી; કોર્ટે વકીલની વાતને "સંપૂર્ણપણે ખોટી કલ્પના" ગણાવી ચુકાદો આપ્યો

નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતમાં ગુરુવારે એક અત્યંત ચોંકાવનારો અને રસપ્રદ કિસ્સો સામે આવ્યો હતો. લખનૌ સ્થિત વકીલ અશોક પાંડેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર તેમને ૧ કરોડ રૂપિયાની ફી અને ખર્ચ ચૂકવે. વકીલનો તર્ક હતો કે ૨૦૧૮માં જ્યારે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (CJI) દીપક મિશ્રા વિરુદ્ધ વિવાદ સર્જાયો હતો, ત્યારે તેમણે CJI ના બચાવમાં ૬ જેટલા કેસ દાખલ કર્યા હતા, જે બદલ તેમને આ રકમ મળવી જોઈએ.
પુત્રી પાસેથી ઉછીના લીધેલા પૈસાનો આપ્યો હવાલો
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બનેલી ખંડપીઠ સમક્ષ દલીલ કરતા વકીલે જણાવ્યું હતું કે, આ છ કેસ લડવામાં તેમને ૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેમણે આ પૈસા પોતાની પુત્રી પાસેથી ઉછીના લીધા હતા. તેમણે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશો દ્વારા યોજાયેલી અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ન્યાયાધીશો મુખ્ય ન્યાયાધીશ સામે પ્રેસ કોન્ફરન્સ કરી શકતા નથી, તે નિયમો વિરુદ્ધ હતું અને મેં સંસ્થાના સન્માન માટે લડાઈ લડી હતી."
કોર્ટે વકીલની જ ભાષામાં આપ્યો વળતો જવાબ
વકીલની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે વેધક ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશે કહ્યું, "તમે સંસ્થા માટે સામાજિક સેવા કરી છે અને સમાજસેવા હંમેશા અમૂલ્ય હોય છે. તેનું મૂલ્ય ૧ કરોડ કે ૨ કરોડ રૂપિયામાં કેવી રીતે આંકી શકાય?" જ્યારે વકીલે વળતર માટે આગ્રહ કર્યો ત્યારે કોર્ટે રમૂજી અંદાજમાં કહ્યું કે, "જો તમે પ્રશંસા ઈચ્છતા હોવ તો અમે તમારા વખાણ કરીએ છીએ, પરંતુ પૈસા ન મળી શકે."
હાઈકોર્ટ બાદ સુપ્રીમમાં પણ પછડાટ
અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પણ અશોક પાંડેની આ અરજી ફગાવી દીધી હતી, જેને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. કાયદા મંત્રાલયે પણ ૨૦૨૪માં તેમનો ૧ કરોડનો દાવો ફગાવી દીધો હતો. અંતે, સુપ્રીમ કોર્ટે આ અરજીને "ખોટી કલ્પના" ગણાવીને ડિસ્મિસ કરી દીધી હતી. કોર્ટમાં આ દલીલો દરમિયાન વાતાવરણમાં હળવી રમૂજ પણ જોવા મળી હતી, પરંતુ કાયદાકીય રીતે વકીલની માંગણીને ટકવા પાત્ર માનવામાં આવી ન હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
