હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં થાળી-વેલણનો ગુંજારવ: રસોડાની કટોકટી જ્યારે લોકશાહીના મંદિરમાં પહોંચી ત્યારે દ્રશ્યો બદલાયા
LPGની અછત અને વધતા ભાવના વિરોધમાં TMC સહિતની મહિલા સાંસદોએ ગૃહમાં ચમચી અને તવા વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હી: લોકસભામાં આજે એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે સામાન્ય રીતે રસોડામાં જોવા મળતું હોય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલી ગ્રાન્ટની પૂરક માંગણીઓ પર જ્યારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અચાનક વાસણોનો અવાજ ગુંજવા લાગ્યો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની મહિલા સાંસદો પ્રતિભા મંડલ, સયાની ઘોષ અને મહુઆ મોઈત્રા પ્લેટો, તવા અને ચમચી લઈને ગૃહમાં પહોંચી હતી. જ્યારે ભાજપના સાંસદ જગદંબિકા પાલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા, ત્યારે આ મહિલા સાંસદોએ વાસણો વગાડીને દેશમાં વર્તમાન LPG કટોકટી અને રસોઈ ગેસની અછત તરફ ધ્યાન દોરવાનો અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ગૃહમાં આ અણધાર્યા વિરોધથી અધ્યક્ષ સ્થાને બેઠેલા સંધ્યા રાય પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે વારંવાર મહિલા સાંસદોને વિનંતી કરી કે આ પ્રકારનું વર્તન સંસદની ગરિમાને શોભતું નથી અને તેઓ પોતાની બેઠક પર પાછા ફરે. જોકે, વિપક્ષી સાંસદો 'વેલ' (ગૃહની મધ્યમાં) સુધી ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વાસણો વગાડવાનું ચાલુ રાખ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે સરકાર ઈરાન યુદ્ધ અને અન્ય કારણો આગળ ધરીને જનતાને મળતા પાયાના ઇંધણ પુરવઠામાં કાપ મૂકી રહી છે અને મોંઘવારી બેફામ વધી રહી છે.
સરકાર વતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ હંગામાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે હાલમાં જે પરિસ્થિતિ છે તે વૈશ્વિક સ્તરે ભારત માટે પડકારજનક છે અને આવા સમયે વાસણો વગાડીને રાજનીતિ કરવાને બદલે વિપક્ષે દેશના હિતમાં સહયોગ આપવો જોઈએ. બીજી તરફ, સંસદના મકરદ્વાર પર પણ અન્ય વિપક્ષી સાંસદોએ મોરચો માંડ્યો હતો. સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવની હાર બાદ વિપક્ષ હવે 'ગેસ કટોકટી'ને મોટું હથિયાર બનાવી સરકારને ઘેરવાની રણનીતિ અપનાવી રહ્યો હોય તેમ જણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
