<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

LPG કટોકટી: રસોડામાં હવે કેરોસીન અને કોલસાનો યુગ પાછો ફરશે? સરકારે જાહેર કર્યું ઇમરજન્સી પેકેજ

હોર્મુઝમાં અવરોધને પગલે LPG આયાત પર મોટી અસર : સરકારે રસોઈ ગેસની નિર્ભરતા ઘટાડવા કેરોસીનનો ક્વોટા વધાર્યો અને રિફાઇનરીઓને ઉત્પાદન ક્ષમતા વધારવા આપ્યા આદેશો

નવી દિલ્હી:  ઈરાન અને પશ્ચિમ એશિયાના યુદ્ધે ભારતની ઉર્જા સુરક્ષા સામે મોટો પડકાર ઉભો કર્યો છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ભારતની 60% LPG આયાત પર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે આપણી કુલ આયાતનો 90% હિસ્સો આ જ માર્ગે આવે છે. આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મોટી જાહેરાત કરી છે. સરકારે રાજ્યોને અપાતા નિયમિત 100 મિલિયન લિટર કેરોસીન ઉપરાંત વધારાનું 48 મિલિયન લિટર કેરોસીન ફાળવવાનો આદેશ આપ્યો છે, જેથી ગ્રામીણ અને ગરીબ વિસ્તારોમાં ઈંધણની અછત નિવારી શકાય.

પર્યાવરણ વિભાગે પણ આ અસાધારણ સ્થિતિમાં નરમાશ બતાવી છે. હવે હોટલ અને રેસ્ટોરન્ટ્સને એક મહિના માટે ગેસના બદલે કોલસો અને બાયોફ્યુઅલ વાપરવાની કામચલાઉ મંજૂરી આપવામાં આવી છે, જેથી ઘરેલું ગ્રાહકો માટે LPGનો પુરવઠો સુરક્ષિત રાખી શકાય. દેશમાં દરરોજ 50 લાખ સિલિન્ડરની ડિલિવરી થાય છે, જેને જાળવી રાખવા માટે તમામ સરકારી રિફાઇનરીઓને તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા સૂચના અપાઈ છે. આ આદેશને પગલે સ્થાનિક LPG ઉત્પાદન 25% થી વધીને 28% સુધી પહોંચી ગયું છે, જે ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.

ભારત દરરોજ આશરે 5.5 મિલિયન બેરલ તેલનો વપરાશ કરે છે અને આ પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. દેશભરમાં ફેલાયેલા આશરે 1,00,000 પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓના નેટવર્કમાંથી હાલ કોઈ આઉટલેટ બંધ હોવાના અહેવાલ નથી. સરકાર 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહી છે અને વૈકલ્પિક આયાત માર્ગો પણ શોધી રહી છે. આગામી દિવસોમાં જો યુદ્ધની સ્થિતિ વધુ વણસે, તો સરકાર વધુ કડક પગલાં ભરી શકે છે, પરંતુ હાલમાં પૂરતો સ્ટોક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(10:10 PM IST)