<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સમગ્ર દેશમાં 10 લાખ મહિલાઓને બનાવાશે વ્યાવસાયિક સક્ષમ : અદાણી ફાઉન્ડેશનની ' સ્વાભિમાન' અંતર્ગત મહત્વકાંક્ષી યોજના

આગામી 1 વર્ષમાં 1,00,000 મહિલાઓને કાર્યક્રમ સાથે જોડીને તેમને સશક્ત બનાવવાનું લક્ષ્ય

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણીએ 'સ્વાભિમાન' કાર્યક્રમ દ્વારા દેશની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે. આ પહેલ અંતર્ગત આગામી 1 વર્ષમાં 1,00,000 મહિલાઓને કાર્યક્રમ સાથે જોડીને તેમને સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. લાંબા ગાળાના વિઝન સાથે, ફાઉન્ડેશન આવનારા વર્ષોમાં સમગ્ર ભારતમાં 10,00,000 મહિલાઓ સુધી પહોંચી તેમને વ્યવસાયિક રીતે સક્ષમ બનાવવા માટે કટિબદ્ધ છે.

લગભગ 4 વર્ષ પહેલાં શરૂ થયેલો સ્વાભિમાન કાર્યક્રમ ખાસ કરીને વંચિત સમુદાયની મહિલાઓને કૌશલ્ય તાલીમ, નાણાકીય સાક્ષરતા અને માર્કેટિંગ વ્યૂહરચનાઓ શીખવીને ઉદ્યોગસાહસિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ (SHG) દ્વારા આ પ્રોજેક્ટ પહેલેથી જ સફળ રહ્યો છે, જેમાં 4,500થી વધુ મહિલાઓ જોડાઈ છે. આ તાલીમ દ્વારા મહિલાઓ માત્ર ઉત્પાદનો બનાવતા જ નથી શીખતી, પરંતુ 'વેલ્યુ એડિશન' દ્વારા પોતાના વ્યવસાયને નફાકારક બનાવવાની કળા પણ હસ્તગત કરી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક મુખ્યપ્રવાહમાં લાવી તેમને 'લખપતિ દીદી' બનાવવાનો છે, જેથી તેઓ પોતાના પરિવાર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી શકે

(12:09 AM IST)