<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

શિક્ષક બનવા માંગતા ઉમેદવારોની આતુરતાનો અંત: CBSE એ CTET ફેબ્રુઆરી 2026 ની આન્સર કી અને OMR શીટ કરી જાહેર, જાણો તમારા સ્કોરની ગણતરી કરવાની રીત

વેબસાઇટ પર પ્રોવિઝનલ આન્સર કી અપલોડ; જો કોઈ જવાબમાં ભૂલ જણાય તો પુરાવા સાથે વાંધો ઉઠાવવાની પણ તક, ફાઈનલ રિઝલ્ટ પહેલા જ ઉમેદવારો જાણી શકશે પોતાનું સંભવિત પરિણામ

નવી દિલ્હી : દેશભરની સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાનું સપનું જોતા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) 2026 ની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડે માત્ર સાચા જવાબો જ નહીં, પરંતુ પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોની ઓરિજિનલ OMR શીટની સ્કેન કરેલી કોપી પણ વેબસાઇટ પર મૂકી દીધી છે.
પરીક્ષાનું માળખું અને આંકડા
ઉલ્લેખનીય છે કે, CTET ફેબ્રુઆરી 2026 ની પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર 7 અને 8 ફેબ્રુઆરીના રોજ આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષા બે સ્તરે લેવાય છે, જેમાં પેપર-1 ધોરણ 1 થી 5 ના પ્રાથમિક શિક્ષકો માટે અને પેપર-2 ધોરણ 6 થી 8 ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે હોય છે. લાખો ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.
સ્કોર કેવી રીતે ચેક કરવો?
બોર્ડે આન્સર કીની સાથે ઉમેદવારોએ પરીક્ષામાં ભરેલી OMR શીટ પણ આપી છે. આનાથી ઉમેદવારો પોતાના જવાબોની સરખામણી સત્તાવાર જવાબો સાથે કરી શકશે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (નકારાત્મક ગુણાંકન) ન હોવાથી, સાચા જવાબોના આધારે ઉમેદવારો અત્યારથી જ પોતાનો અંદાજિત સ્કોર ગણી શકે છે અને જાણી શકે છે કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે કે નહીં.
વાંધો ઉઠાવવાની સુવિધા
જો કોઈ ઉમેદવારને લાગે કે બોર્ડ દ્વારા આપવામાં આવેલ કોઈ જવાબ ખોટો છે, તો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન વાંધો ઉઠાવી શકે છે. આ માટે ઉમેદવારે NCERT જેવા અધિકૃત પુસ્તકોનો પુરાવો રજૂ કરવો પડશે અને પ્રત્યેક પ્રશ્ન દીઠ નિશ્ચિત ફી ચૂકવવાની રહેશે. નિષ્ણાતો દ્વારા આ વાંધાઓની તપાસ કર્યા બાદ ફાઈનલ આન્સર કી તૈયાર કરવામાં આવશે, જેના આધારે અંતિમ પરિણામ જાહેર થશે.

(10:05 PM IST)