<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

મામાએ ૧ કરોડનું મામેરું ભર્યું: ૫૦૦-૫૦૦ની નોટોના ૧૦૨ બંડલ આપ્‍યા

ભાણેજના લગ્નમાં મામાએ વટ પાડી દીધોઃ ભાઈ-બહેનનો પ્રેમ અને પારિવારિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્‍યો

સીકર તા.૧૩: રાજસ્‍થાનના સીકર જિલ્‍લાના રાનૌલી વિસ્‍તારમાં ભાઈ-બહેનનો પ્રેમ અને પારિવારિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્‍યો છે. અહીં ભરથાવાળી કોઠીના યાદવ પરિવારે પોતાની બહેનના ઘરે લગભગ એક કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે. આ સીકર જિલ્‍લાનું અત્‍યાર સુધીનું સૌથી મોટા મામેરાંમાંથી એક છે. મામેરામાં ૫૧ લાખ રૂપિયા રોકડા, લગભગ ૨૧ લાખ રૂપિયાના દાગીનાની સાથે કપડાં અને અન્‍ય ભેટ આપવામાં આવી છે. આટલી મોટી રકમનું આ મામેરું હવે વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

જાણકારી અનુસાર, કુંડલપુરમાં રહેતી બહેન મોહિની દેવીના દીકરા ડો. મનોજના લગ્નમાં ૧૦ માર્ચના રોજ થયા હતા. આ દરમ્‍યાન રાનૌલી વિસ્‍તારમાં ભરથાવાળી કોઠીના રહેવાસી મામા કૈલાશ યાદવ પોતાના ભાઈઓ સાથે પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર, બહેનના ઘરે મામેરું લઈને પહોંચ્‍યા હતા. બીજા દિવસે ૧૧ માર્ચના રોજ વરરાજો ડો. મનોજના લગ્ન ઝુંઝુનૂ જિલ્‍લાના બાય ગામની ડો. અંજલિ સાથે થયા હતા.

વરરાજાના મામા કૈલાશ યાદવે જણાવ્‍યું કે મામેરામાં ૫૧ લાખ રૂપિયા રોકડા, જેમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોના ૧૦૨ બંડલ હતા. ઉપરાંત લગભગ ૨૧ લાખ રૂપિયાના દાગીના અને કપડાં સહિત અન્‍ય કિમતી ભેટ પણ આપી. કુલ મળીને મામેરાની કિમત લગભગ એક કરોડ રૂપિયાની આસપાસ થાય છે. પરિવારના જણાવ્‍યા અનુસાર, વરરાજાના ત્રણ મામા છે, જેમાં સૌથી મોટા નારાયણ જાદમ ગામમાં રહે છે, જ્‍યારે બીજા નંબરના મામા કૈલાશ યાદવ પરિવાર સહિત દુબઈમાં રહે છે અને ત્રીજા નંબરના મામા છોટુરામ જાદમ પણ ગામમાં જ રહે છે. કૈલાશ અને છોટુરામ જાદમ પ્રોપર્ટી ડીલિગનું કામ કરે છે.

કૈલાશ યાદવે જણાવ્‍યું કે તેમણે પોતાના માતા-પિતાને વચન આપ્‍યું હતું કે તેઓ પોતાની બહેનને ક્ષમતા અનુસાર સહયોગ કરશે. તેમણે કહ્યું કે, ભાણેજના લગ્નમાં સારું મામેરું ભરવા ત્રણ ભાઈઓનો સામૂહિક વિચાર હતો. તેમણે એવું પણ કહ્યું કે તેમની બહેન મોહિની દેવીએ બાળપણથી ત્રણેય ભાઈઓનો ખૂબ જ ધ્‍યાન રાખ્‍યું હતું. એટલા માટે મામેરું તેમના પ્રત્‍યે પ્રેમ અને સન્‍માનનું પ્રતીક છે. વરરાજાના પિતા મદન ખાતોદિયા, જેમની પલસાનામાં કાપડની દુકાન છે. તેમણે કહ્યું કે, બદલાતા સમાજમાં બહેન-દીકરીઓને પણ એટલું જ સન્‍માન આપવામાં આવે છે જે એક સકારાત્‍મક વિચારના સંકેત છે

(10:04 AM IST)