<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

મુખ્‍ય ચૂંટણી કમિશનરને હટાવવા ૧૯૩ સાંસદોના નોટિસ પર હસ્‍તાક્ષર

મુખ્‍ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે આવી કોઈ નોટિસ લાવવામાં આવશે તેવું ભારતના ઇતિહાસમાં આ પહેલી વખત બનશે : નોટિસમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સાત મુખ્‍ય આરોપો મૂકવામાં આવ્‍યા છે

નવી દિલ્‍હી,તા.૧૩:  મુખ્‍ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવા માટે લોકસભાના ૧૩૦ અને રાજ્‍યસભાના ૬૩ સાંસદોએ એક નોટિસ પર હસ્‍તાક્ષર કર્યા છે. આ નોટિસ સંસદના કોઈ પણ એક ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે.

વિપક્ષના એક નેતાએ જણાવ્‍યું કે, જરૂરી સંખ્‍યા પૂરી થઈ ગઈ હોવા છતાં સાંસદોમાં આ નોટિસ પર સહી કરવા માટે ઘણો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. મુખ્‍ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે લોકસભામાં ઓછામાં ઓછા ૧૦૦ અને રાજ્‍યસભામાં ૫૦ સાંસદોની સહી હોવી જરૂરી છે. ‘ઇન્‍ડિયા' (INDIA) ગઠબંધનના તમામ પક્ષોએ આ નોટિસને સમર્થન આપ્‍યું છે. 

મુખ્‍ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે આવી કોઈ નોટિસ લાવવામાં આવશે તેવું ભારતના ઇતિહાસમાં આ પહેલી વખત બનશે. નોટિસમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સાત મુખ્‍ય આરોપો મૂકવામાં આવ્‍યા છે. જેમાં હોદ્દા પર રહીને પક્ષપાતી વ્‍યવહાર કરવો, ચૂંટણીમાં થતી ગેરરીતિઓની તપાસમાં અવરોધ લાવવો, મોટા પાયે મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા, સત્તાધારી ભાજપને ફાયદો કરાવવા માટે મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

ઉલ્‍લેખનીય છે કે મુખ્‍ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના જજને હટાવવા જેવી જ અઘરી હોય છે. બંધારણની કલમ ૩૨૪(૫): આ કલમ મુજબ, તેમને માત્ર ગેરવર્તણૂક અથવા અક્ષમતાના આધારે જ હટાવી શકાય છે. સંસદના બંને ગૃહોમાં ૨/૩ (બે-તૃતીયાંશ) બહુમતીથી આ પ્રસ્‍તાવ પસાર થવો જોઈએ

(10:04 AM IST)