<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ અમેરિકન હુમલામાં ગંભીર ઇજાગ્રસ્‍ત કોમામાં? પગ કાપવો પડયો

ટ્રમ્‍પે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો દાવો કર્યો : જ્‍યારે ઇરાની અધિકારીઓએ તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્‍યું

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઇરાનના  ૫૬ વર્ષના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અને કોમામાં હોવાના, તથા તેમનો પગ કાપવો પડ્‍યો હોવાના અહેવાલો સામે આવ્‍યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પણ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો દાવો કર્યો છે, જ્‍યારે ઇરાની અધિકારીઓએ તેઓ કોમામાં હોવાના અહેવાલોને નકારીને તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્‍યું છે.

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા સંયુક્‍ત હવાઈ હુમલામાં પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્‍લાહ અલી ખામેનેઇનું મૃત્‍યુ થયું હતું. ત્‍યારબાદ તેમના ૫૬ વર્ષીય પુત્ર મોજતબા ખામેનેઇને ઇરાનના નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે. પરંતુ પદ સંભાળ્‍યા બાદ તેઓ હજુ સુધી જાહેરમાં કે કેમેરા સામે જોવા મળ્‍યા નથી, જેના કારણે તેમની તબિયત અંગે આંતરરાષ્ટ્રીય સ્‍તરે અનેક અટકળો વહેતી થઈ છે.

બ્રિટિશ અખબાર ‘ધ સન' અને અન્‍ય પヘમિી મીડિયાના અહેવાલ મુજબ, મોજતબા ખામેનેઇ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને રાજધાની તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્‍પિટલમાં સઘન સુરક્ષા વચ્‍ચે તેમની સારવાર ચાલી રહી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે તેમણે ઓછામાં ઓછો એક પગ ગુમાવ્‍યો છે, તેમના લીવર અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હાલમાં કોમામાં છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું હતું કે તેમને વિશ્વાસ છે કે મોજતબા જીવિત છે, પરંતુ તેમને શારીરિક રીતે ખૂબ જ ગંભીર નુકસાન પહોંચ્‍યું છે.

બીજી તરફ, ઇરાન સરકારે આ અહેવાલો પર સત્તાવાર સ્‍પષ્ટતા આપી છે. ઇરાનના રાષ્ટ્રપતિના પુત્ર યુસુફ પેઝેશ્‍કિયન અને સાયપ્રસ ખાતેના ઇરાનના રાજદૂત અલીરેઝા સલારિયને સ્‍વીકાર્યું છે કે મોજતબાને હુમલામાં ઈજાઓ પહોંચી છે, પરંતુ તેઓ કોમામાં કે ગંભીર રીતે ઘાયલ હોવાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

તેમણે સ્‍પષ્ટતા કરી છે કે મોજતબા સુરક્ષિત છે અને તેમની સ્‍થિતિ ગંભીર નથી.

તાજેતરમાં જ ઇરાની સ્‍ટેટ ટેલિવિઝન પર મોજતબા ખામેનેઇનો એક સત્તાવાર સંદેશ ન્‍યૂઝ એન્‍કર દ્વારા વાંચી સંભળાવવામાં આવ્‍યો હતો.

જોકે, આ સંદેશ દરમિયાન તેમનો કોઈ નવો વિડીયો કે ઓડિયો રજૂ કરવામાં આવ્‍યો ન હતો, જેનાથી આ અહેવાલોને વધુ વેગ મળ્‍યો છે. હાલમાં બંને પક્ષે પોતપોતાના દાવાઓ થઈ રહ્યા છે અને મોજતબા જાહેરમાં ન આવે ત્‍યાં સુધી આ રહસ્‍ય અકબંધ રહેશે. 

 

(11:17 AM IST)