કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
સુપ્રીમ કોર્ટમાં કેસ લિસ્ટિંગ અને બેન્ચ ફાળવણીમાં માનવીય હસ્તક્ષેપનો અંત: ચીફ જસ્ટિસ સૂર્ય કાંતનો ક્રાંતિકારી નિર્ણય, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંભાળશે વહીવટી ધૂરા
રજિસ્ટ્રીમાં વર્ષોથી જામી ગયેલા અધિકારીઓની સામૂહિક બદલીઓ બાદ ટેકનોલોજીકલ સર્જરી; પક્ષપાત અને અનિયમિત કેસ ફાળવણીના આરોપો રોકવા માટે 'માસ્ટર ઓફ રોસ્ટર' તરીકે CJI એ લીધો ઐતિહાસિક સુધારાવાદી નિર્ણય

નવી દિલ્હી: ૧૩ માર્ચ, ૨૦૨૬ : ભારતની સર્વોચ્ચ અદાલતના વહીવટી તંત્રમાં એક યુગ પરિવર્તન સમાન પગલું ભરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્ય કાંતે કેસ લિસ્ટિંગ અને બેન્ચ ફાળવણીની પ્રક્રિયા સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સોફ્ટવેરને સોંપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે જ કેસ કઈ બેન્ચ પાસે જશે તે નક્કી કરવામાં અત્યાર સુધી ચાલતા માનવીય હસ્તક્ષેપનો કાયમી અંત આવશે.
નિર્ણય પાછળનું કારણ અને આંતરિક તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં લાંબા સમયથી ચાલી આવતી સિસ્ટમિક નિષ્ફળતાઓને રોકવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. એક આંતરિક તપાસમાં બહાર આવ્યું હતું કે રજિસ્ટ્રીના કેટલાક અધિકારીઓ વર્ષોથી એક જ સ્થાને જામી ગયા હતા અને જૂની ટેકનોલોજીનો લાભ ઉઠાવીને કેસની ફાળવણીમાં અનિયમિતતા તેમજ વહીવટી છબરડાઓ આચરતા હતા. અત્યાર સુધી ચીફ જસ્ટિસ 'માસ્ટર ઓફ રોસ્ટર' તરીકે કેસ ફાળવતા હતા, પરંતુ આ પ્રક્રિયા હંમેશા સ્ક્રુટિની અને વિવાદોના ઘેરામાં રહેતી હતી.
ઈરફાન સોલંકીના કેસે ખોલી પોલ
આ મોટા વહીવટી ફેરફાર પાછળ ઉત્તર પ્રદેશના ઈરફાન સોલંકી સાથે જોડાયેલો એક કેસ મુખ્ય કારણ બન્યો છે. જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચ સમક્ષ યુપી ગેંગસ્ટર એક્ટને પડકારતી એક અરજી સુનાવણી માટે આવી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું કે, આવી જ એક અરજી ડિસેમ્બર ૨૦૨૨માં તત્કાલીન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચ દ્વારા પહેલેથી જ ફગાવી દેવામાં આવી હતી.
એકવાર અરજી ફગાવી દેવાઈ હોવા છતાં, તે જ વિષયની બીજી અરજી નવી બેન્ચ પાસે કેવી રીતે લિસ્ટ થઈ, તે અંગે સીજેઆઈ સૂર્ય કાંતે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. તેમણે આ મામલે ઉંડી વહીવટી તપાસના આદેશ આપ્યા હતા, જે અંતે આ મોટા ફેરફારમાં પરિણમ્યા છે.
રજિસ્ટ્રીમાં બદલીઓનો ગંજીપો ચીપાયો
માત્ર ટેકનોલોજી જ નહીં, પણ વહીવટી તંત્રને સાફ કરવા માટે રજિસ્ટ્રીમાં મોટાપાયે આંતરવિભાગીય બદલીઓ કરવામાં આવી છે. વર્ષોથી એક જ હોદ્દા પર ચીટકી રહેલા અધિકારીઓના પ્રભુત્વને તોડવા માટે બદલીઓનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને માર્ચના અંત સુધીમાં બીજા રાઉન્ડની બદલીઓ થવાની શક્યતા છે.
AI ના આગમનથી શું બદલાશે?
હવેથી AI સોફ્ટવેર કોઈ પણ માનવીય પક્ષપાત વગર આપમેળે નક્કી કરશે કે કયો કેસ કયા જજની બેન્ચ સમક્ષ જશે. આનાથી સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને કેસ લિસ્ટિંગમાં થતી ગેરરીતિઓની ફરિયાદો દૂર થશે. સુપ્રીમ કોર્ટનું આ પગલું ન્યાયિક વહીવટમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે એક નવો માઈલસ્ટોન સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
