<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સિરોહી નજીક બે ટ્રેલરો ધડાકાભેર અથડાયા બાદ ભયાનક આગ લાગી: બે યુવકો બળીને ખાખ થયા

એક ટ્રેલરમાં સવાર ચાલક અને ક્લીનર બહાર નીકળી શક્યા નહોતા :એક યુવકને સ્થાનિકોએ બચાવી સારવાર માટે ખસેડ્યો

રાજસ્થાનના સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ વિસ્તારમાં ગુરુવારે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેલર સામસામે ધડાકાભેર અથડાતા બંને વાહનોમાં વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક ટ્રેલરમાં સવાર ચાલક અને ક્લીનર બહાર નીકળી શક્યા નહોતા અને આગમાં જીવતા બળી ગયા હતા.

 

પ્રાપ્તથતી વિગતો અનુસાર, હાઈવે પર દોડી રહેલા એક ટ્રેલરનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેલર સામેથી આવી રહેલા બીજા ટ્રેલર સાથે જોરદાર ટક્કર  મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ક્ષણવારમાં જ બંને વાહનો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા.

 

 

અકસ્માત બાદ લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા અને જ્વાળાઓ-દૂર સુધી દેખાતા હતા. એક ટ્રેલરમાં સવાર ડ્રાઈવર  અને હેલ્પર કેબિનમાં જ ફસાઈ ગયા હતા અને જોતજોતામાં આગમાં લપેટાઈ ગયા હતા. બીજી તરફ, સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે બીજા ટ્રેલરમાં સવાર ચાલક અને હેલ્પરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.

(1:45 PM IST)