<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

લાલ કિલ્લા મ્યુઝિયમમાંથી સુભાષચંદ્ર બોઝની ટોપી ગાયબ:નેતાજીના પ્રપૌત્રે પીએમ મોદીની મદદ માગી:કહ્યું-''આ સ્થિતિ ખૂબ જ શરમજનક"

ચંદ્રકુમાર બોઝે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, જે ટોપી તેમણે વડાપ્રધાનને સોંપી હતી અને જે લાલ કિલ્લાના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, તે હવે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે.

નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝ એક ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારી નેતા હતા, તેમણે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કર્યું હતું, તેમણે 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા'ના નારા સાથે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. તેઓ હંમેશા માથા પર ટોપી પહેરેલી રાખતા. નેતાજીની આ ટોપી તેમની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. વર્ષ 2019માં વડાપ્રધાને નેતાજીના પરિવાર પાસેથી આ ટોપી સ્વીકારી હતી. X (પહેલાનું ટ્વીટર) પર બોઝ પરિવારનો આભાર માન્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, આ ટોપી લાલ કિલ્લા પરિસરમાં આવેલા ક્રાંતિ મંદિરની પ્રદર્શન ગેલેરીમાં રાખવામાં આવી છે, પરંતુ હાલ આ ટોપી મ્યુઝિયમમાં ન હોવાથી અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રએ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કર્યો છે. ચંદ્રકુમાર બોઝે X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, જે ટોપી તેમણે વડાપ્રધાનને સોંપી હતી અને જે લાલ કિલ્લાના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, તે હવે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે વડાપ્રધાન મોદીને પણ આ મામલે ધ્યાન આપવા અપીલ કરી છે.

ચંદ્રકુમારે X પર લખ્યું છે કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, તમને યાદ હશે કે હું, મારા પરિવારના સભ્યો, અમારા મિત્ર સુપર્ણો સત્પથિ અને 'ધ ઓપન પ્લેટફોર્મ ફોર નેતાજી' (OPN)ના ઘણા સભ્યોએ મળીને નેતાજી બોઝની ટોપી તમને સોંપી હતી. તમે 23 જાન્યુઆરી 2019ના રોજ સુભાષચંદ્ર બોઝની જયંતિના અવસરે દિલ્હી સ્થિત લાલ કિલ્લાના નેતાજી મ્યુઝિયમમાં આ ટોપી સ્વીકારી હતી."

 

પોસ્ટમાં આગળ લખ્યું છે કે, "હાલમાં OPNના સભ્ય એડવોકેટ નવિન બામેલે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ખબર પડી કે નેતાજીની ટોપી હવે ત્યાં નથી. ASIને પણ ખબર નથી કે ટોપી ક્યાં ગઈ. નેતાજી આપણા મહાન નેતાઓમાંના એક છે અને આવી સ્થિતિ ખૂબ જ શરમજનક છે. કૃપા કરીને આ મામલે ધ્યાન આપો."

(2:09 PM IST)