<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

મહિલાઓને પિરિયડ લીવ આપવી એ તેમના કરિયર માટે નુકસાનકારક

પિરિયડ લીવ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણયઃ માસિક ધર્મ દરમિયાન ફરજિયાત રજાની માંગ કરતી અરજી પર સુનાવણીનો ઈનકાર : CJI સૂર્યકાન્‍તે ચિંતા વ્‍યક્‍ત કરી કે આવી છૂટછાટ મહિલાઓને જવાબદાર હોદ્દાઓ પરથી વંચિત કરી શકે છે

નવી દિલ્‍હી, તા.૧૩: દેશભરની મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે માસિક રજાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે અત્‍યંત મહત્‍વપૂર્ણ અને ચર્ચાસ્‍પદ અવલોકન કર્યું છે. મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાન્‍તની અધ્‍યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરવાનો સ્‍પષ્ટ ઈનકાર કરી દીધો છે. અદાલતે જણાવ્‍યું હતું કે, જોકે માસિક સ્રાવ એ જૈવિક પ્રક્રિયા છે, પરંતુ તેને કાયદાકીય રીતે ફરજિયાત રજામાં ફેરવવાથીસ્ત્રી સશક્‍તિકરણના અભિયાનને મોટો ફટકો પડી શકે છે. અદાલતના મતે, આવી રજાઓ મહિલાઓને નબળી સાબિત કરવાનું વાતાવરણ ઊભું કરી શકે છે, જે આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં તેમના માટે હિતકારી નથી.

સુનાવણી દરમિયાન CJI સૂર્યકાન્‍તે એક વ્‍યવહારુ પાસું રજૂ કરતા કહ્યું કે, જો માસિક રજા ફરજિયાત બનાવવામાં આવે તો ખાનગી અને સરકારી ક્ષેત્રના નોકરીદાતાઓ મહિલાઓને મહત્‍વની જવાબદારીઓ સોંપતા અચકાશે. કોર્ટે ભય વ્‍યક્‍ત કર્યો હતો કે કંપનીઓ મહિલાઓને નોકરી પર રાખવાનું ટાળી શકે છે અથવા તેમને એવા હોદ્દાઓથી દૂર રાખી શકે છે જ્‍યાં સતત હાજરી અનિવાર્ય હોય. ઉદાહરણ તરીકે, ન્‍યાયિક સેવાઓમાં પણ જો મહિલાઓને ટ્રાયલ જેવા મહત્‍વના કામોથી દૂર રાખવામાં આવે, તો તે તેમની પ્રગતિમાં અવરોધ બની શકે છે. જસ્‍ટિસ જોયમલ્‍યા બાગચીએ પણ ઉમેર્યું હતું કે આર્થિક અને વ્‍યવસાયિક મોડલ પર આની ગંભીર અસરો પડી શકે છે.

અદાલતે અરજદાર શૈલેન્‍દ્ર મણિ ત્રિપાઠીને સ્‍પષ્ટ નિર્દેશ આપ્‍યો છે કે તેઓ આ માંગણી માટે સરકાર પાસે જાય. કોર્ટે નોંધ્‍યું કે કેરળ, કર્ણાટક અને ઓડિશા જેવા રાજ્‍યોમાં કેટલીક સંસ્‍થાઓ સ્‍વેચ્‍છાએ આવી છૂટ આપે છે, પરંતુ તેને રાષ્‍ટ્રવ્‍યાપી કાયદો બનાવવો એ વહીવટી અને નીતિ વિષયક નિર્ણય છે જે સરકારે લેવો જોઈએ. અંતે, સુ-ીમ કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે ન્‍યાયતંત્ર આવી બાબતોમાં હસ્‍તક્ષેપ કરીને મહિલાઓના કરિયર અને સામાજિક દરજ્‍જાને જોખમમાં મૂકવા માંગતું નથી. 

(3:22 PM IST)