<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

તાલિબાની ડ્રોને પાકિસ્‍તાની સૈન્‍ય ગઢ ‘કોહાટ કિલ્લા'ને ધમરોળ્‍યો

પાકિસ્‍તાન પર પ્રચંડ વળતો પ્રહાર : હાઈ-ટેક ડ્રોન વડે કોહાટના કમાન્‍ડ સેન્‍ટર અને હથિયાર ડેપો પર હુમલો

કાબુલ, તા.૧૩: પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેનો સંઘર્ષ હવે સીમા ઓળંગીને લોહિયાળ જંગમાં ફેરવાયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્‍તાની વિમાનોએ કાબુલ અને કંદહાર પર કરેલા બોમ્‍બમારાના જવાબમાં તાલિબાને કોહાટ સૈન્‍ય કિલ્લા પર ડ્રોન હુમલા કરી પાકિસ્‍તાનને હચમચાવી દીધું છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, અફઘાન ડ્રોને અત્‍યંત ચોકસાઈ પૂર્વક પાકિસ્‍તાની કિલ્લાની અંદર આવેલા રહેણાંક વિસ્‍તારો, દારૂગોળાના વિશાળ ભંડાર અને વ્‍યૂહાત્‍મક કમાન્‍ડ સેન્‍ટરને નિશાન બનાવ્‍યા હતા. આ હુમલાએ પાકિસ્‍તાનના લોજિસ્‍ટિક્‍સ નેટવર્કને ભારે નુકસાન પહોંચાડ્‍યું છે.

સંઘર્ષની તીવ્રતા એટલી ભયાનક છે કે અફઘાન ડ્રોન પેશાવરના પોલીસ સ્‍ટેશનો સુધી પણ પહોંચી ગયા હોવાના અહેવાલ છે. કોહાટ કિલ્લો એ પાકિસ્‍તાન માટે ખૈબર અને કુર્રમ એજન્‍સી જેવા અશાંત વિસ્‍તારોમાં સપ્‍લાય પૂરી પાડવાનું મુખ્‍ય કેન્‍દ્ર છે, જેના પર હુમલો કરીને તાલિબાને પાકિસ્‍તાની સૈન્‍યની કમર તોડવાનો પ્રયાસ કર્યો છે. હુમલામાં કિલ્લાના કમાન્‍ડરના કાર્યાલયને પણ સીધું નિશાન બનાવવામાં આવ્‍યું હતું. જોકે, હજુ સુધી બંને પક્ષે સત્તાવાર જાનહાનિના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે, પરંતુ સ્‍થાનિક સ્‍તરે અફરાતફરીનો માહોલ છે.

વિશ્‍લેષકો માને છે કે દક્ષિણ એશિયામાં આ એક નવા અને ખતરનાક યુગની શરૂઆત છે. પાકિસ્‍તાનનો દાવો છે કે તેઓ TTP ના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે, જ્‍યારે તાલિબાન તેને પોતાની સાર્વભૌમત્‍વ પર સીધો હુમલો ગણાવી રહ્યું છે. જો આ રીતે જ હવાઈ અને ડ્રોન હુમલા ચાલુ રહ્યા, તો આ તણાવ ટૂંક સમયમાં પૂર્ણ કક્ષાના ભૂમિ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. હાલમાં સરહદ પર હજારો સૈનિકો ખડકી દેવામાં આવ્‍યા છે અને બંને દેશોના આકાશમાં યુદ્ધવિમાનોની ગર્જના સંભળાઈ રહી છે. 

(3:50 PM IST)